Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

દેશના વિવિધ ભાગોમાં વિસ્ફોટ કરવાનું પાકિસ્તાનનું આતંકી મોડ્યુલ ઝડપાયું : દિલ્હી સહિત ૩ રાજ્યોમાંથી ૬ આતંકી ઝડપાયા : 'ટાર્ગેટ કિલિંગ' માટે આ આતંકીઓ 3 રાજ્યમાં આવ્યા હતા : દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની કાર્યવાહી : પ્રેસ કોનફરન્સમાં વિગતો જાહેર કરાઈ

નવી દિલ્હી :  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન  દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરીને 6 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં 2 પાકિસ્તાની આતંકીઓ સહિત કુલ 6 વ્યક્તિની પુછપરછ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાઓમાંથી 2 આતંકવાદીઓ પાકિસ્તાનમાં તાલીમ લઈને આવ્યા હતા.આ શકમંદોની ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, પકડાયેલા આતંકીઓ, નવરાત્રીને મુખ્ય ટાર્ગેટ બનાવવાના હતા. નવરાત્રી દરમિયાન યોજાતી રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમોના સ્થળે વિસ્ફોટ કરવાનું ષડયંત્ર ઘડી રહ્યાં હતા. મહારાષ્ટ્રમાં પણ બોમ્બ વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા.

સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓનું નામ ઓસામા અને ઝિશન છે. મળતી માહિતી મુજબ, પકડાયેલા આતંકીઓના અંડરવર્લ્ડ સાથે પણ સંપર્ક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીના પ્રયાગરાજમાં યુપી એટીએસના સહયોગથી સ્પેશિયલ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલના ઇનપુટ પર પ્રયાગરાજમાં કારેલીમાંથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યાની વિગતો સામે આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ આતંકી મોડ્યુલ ISI ના સમર્થન હેઠળ દેશના મોટા શહેરોમાં વિસ્ફોટો અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. આ ષડયંત્રને પાર પાડવા માટે હથિયારો અને વિસ્ફોટકો એકત્ર કરવામાં આવ્યા હતા. પકડાયેલા 2 આતંકીઓ ડી કંપની સાથે સંબંધિત છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ટેરર મોડ્યુલ વિશે માહિતી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે. આ પછી દરોડા પાડવામાં આવ્યા અને મહારાષ્ટ્રમાં રહેતા એક આતંકવાદીને કોટાથી પકડવામાં આવ્યો. આ સિવાય 2 ને દિલ્હીમાંથી અને 3 ને ઉત્તરપ્રદેશ ATS ની મદદથી પકડવામાં આવ્યા હતા.

અગાઉ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને એક વિદેશી સહિત બે લોકોની ધરપકડ કરી છે. જેમની પાસેથી પોલીસે આશરે 16.650 કિલો ડ્રગ્સ રિકવર કરી છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 30 કરોડ જણાવવામાં આવી રહી છે.

હકીકતમાં, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને દિલ્હીમાં ચાલતી આ સિન્ડિકેટની માહિતી મળી હતી. તપાસ દરમિયાન આ ગેંગના બે લોકોની ઓળખ થઈ હતી. જે પછી, બે મહિનાથી વધુ સમય સુધી પ્રયાસ કર્યા પછી, પોલીસ ટીમને આ સિન્ડિકેટના ભાગીદાર બાબુલાલ ઉર્ફે બબલુ વિશે માહિતી મળી, જે ડ્રગ્સ પહોંચાડવા માટે દિલ્હીના મંગોલ પુરીમાં આવવાનો હતો.

(9:12 pm IST)