Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

દેશમાં ૧૨-૧૭ વર્ષના બાળકોનું ઓક્ટોબર-નવેમ્બરમાં રસીકરણ

ઝેડવાયકોવ-ડીએ બાળકો પર ઈમર્જન્સી ઉપયોગ માટે એકમાત્ર માન્ય રસી : આ વર્ષે જેમને કો-મોર્બિડિટી છે તેવા જ બાળકોને રસીનો ડોઝ અપાશે, બાકીના બાળકોને આવતા વર્ષના પહેલા ક્વાર્ટરથી રસી આપવાનું શરૃ કરાશે

નવી દિલ્હી, તા.૧૩ : ભારત સરકાર ઓક્ટોબર-નવેમ્બર મહિનાથી ૧૨-૧૭ વર્ષન બાળકોનું કોવિડ રસીકરણ શરૃ કરવા માગે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી પહેલા રસી મેદસ્વીતા, હૃદયરોગ સહિત અન્ય કોર્મોબિડિટીથી પીડાતા બાળકોને આપવામાં આવશે. લગભગ ૨૦-૩૦ લાખ આવા બાળકોને પ્રથમ રાઉન્ડમાં આવરી લેવામાં આવશે.

કેન્દ્ર સરકારની યોજના ઝાયડસ કેડિલાની ડીએનએ રસી ઝેડવાયકોવ-ડી ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ઝેડવાયકોવ-ડી દેશમાં બાળકો પર ઈમર્જન્સી ઉપયોગ માટે એકમાત્ર માન્ય રસી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 'અમે ઝાયડસ દ્વારા સપ્લાય શરુ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. એકવાર તે શરુ થઈ જાય પછી અમે બાળકોનું રસીકરણ શરૃ કરીશું.

વર્ષે જેમને કો-મોર્બિડિટી છે તેવા બાળકોને રસીનો ડોઝ આપવામાં આવશે. બાકીના બાળકોને આવતા વર્ષના પહેલા ક્વાર્ટરથી રસી આપવાનું શરૃ કરવામાં આવશે. ઝાયડસ પ્રથમ બેચમાં લગભગ ૪૦ લાખ ડોઝ સપ્લાય કરશે. તે પછી દર મહિને એક કરોડ ડોઝ આપવામાં આવશે. સરકારને અપેક્ષા છે કે કંપની ડિસેમ્બર સુધીમાં લગભગ - કરોડ ડોઝ આપશે. પણ નોંધવું જોઇએ કે ઝેડવાયકોવ-ડી ત્રણ ડોઝની રસી છે. સરકાર આવતા વર્ષે માર્ચ સુધીમાં બાકીના બાળકો સુધી રસીકરણનો વ્યાપ વધારશે.

ભારત બાયોટેકની કોવાક્સિનનું પણ બાળકો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થવાની છે. એકવાર કોવેક્સિનને બાળકો પર ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી જાય તે બાદ બે વર્ષથી વધુ ઉંમરના તમામ બાળકોને રસી આપી શકાશે. બાયોલોજિકલ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની રસીઓને પણ તાજેતરમાં બાળકો પર ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. દેશમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લગભગ ૪૪ કરોડ બાળકો છે. આમાંથી ૧૨-૧૭ વર્ષની વય જૂથમાં આશરે ૧૨ કરોડ છે,

જે પહેલા રસી લેશે. જો કે, મર્યાદિત પુરવઠાને ધ્યાનમાં રાખીને, સરકારે વય જૂથમાં પણ અગ્રતા ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું છે. વડીલોના રસીકરણ અભિયાનમાં પણ આવી વ્યૂહરચના અપનાવવામાં આવી હતી. સરકારને એવું પણ લાગે છે કે એકવાર પુખ્ત વસ્તીને ઓછામાં ઓછો એક ડોઝ મળી જાય તો તેઓ બાળકોનું રસીકરણ શરૃ કરી શકે છે. શાળા ખોલવાની સાથે બાળકોને મહામારીના સંક્રમણનો ખતરો વધી ગયો છે.

(7:16 pm IST)