Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમયસર પૂરો કરવા પીએમ મોદીએ મંત્રી દાનવેને મેદાનમાં ઉતાર્યા

દાનવેને પ્રોજેક્ટમાં પડતી તકલીફો અંગે સીધી પીએમ મોદી સાથે વાત કરવાની સૂચના પણ અપાઈ

નવી દિલ્હી : પીએમ  મોદીએ પોતાના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સમયસર પૂરો કરવાની જવાબદારી રાજ્ય કક્ષાના રેલ્વે મંત્રી રાવસાહેબ દાદારાવ દાનવેને સોંપી છે. મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ અત્યંત ધીમી ગતિએ ચાલતો હોવાથી દાનવેને મોદીએ મેદાનમાં ઉતારવા પડયા છે. અધિકારીઓને વધારે કાર્યક્ષમ માનતા મોદીએ મોટો પ્રોજેક્ટ સમયસર પૂરો કરવા રાજકારણીને શરણે જવું પડયું તેના કારણે ભાજપના નેતા ખુશ છે.

મોદીની સૂચનાને પગલે પીએમઓએ દાનવેને બોલાવીને રેલ્વે મંત્રાલયને લગતાં બીજાં કામો બાજુ પર મૂકીને આ પ્રોજેક્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા કહી દીધું છે. દાનવેને પ્રોજેક્ટમાં પડતી તકલીફો અંગે સીધી મોદી સાથે વાત કરવાની સૂચના પણ અપાઈ છે. સાથે સાથે દરરોજ રીપોર્ટ આપવા પણ કહી દેવાયું છે.

મોદી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં આ પ્રોજેક્ટ પૂરો કરવા માગે છે. મોદીની ઈચ્છા ૨૦૨૩માં પ્રોજેક્ટ પૂરો કરવાની છે પણ જમીન સંપાદન સહિતના મુદ્દે ડખા પડતાં પ્રોજેક્ટ અટવાઈ ગયો છે. મોદીએ રેલ્વે અધિકારીઓને વારંવાર સૂચના આપીને આકરા શબ્દોમાં ખખડાવ્યા છતાં કોઈ ફરક નથી પડયો.

(8:44 pm IST)