Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અફઘાનિસ્તાનમાં હવે ચોરોના હાથ કાપી નખાશે : ગેરકાયદે સંબંધ બાંધવા બદલ પથ્થરમારો કરીને મારવાની થશે સજા

તાલિબાન સરકારે ગુનેગારો માટે ક્રૂર સજાની તૈયારી શરૂ કરી :ઇસ્લામિક નિયમોના આધારે સજા આપવામાં આવશે

અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાન સરકારે ગુનેગારો માટે ક્રૂર સજાની તૈયારી શરૂ કરી દીધી છે. ઇસ્લામિક અમીરાત હેઠળ, આવી કાનૂની જોગવાઈઓ કરવામાં આવી રહી છે, જેમાં ચોરીના ગુના માટે હાથ કાપવાની સજા કરવામાં આવશે અને જેઓ ગેરકાયદે સંબંધ ધરાવે છે તેમને પથ્થરમારો કરીને મારવાની સજા કરવામાં આવશે.

જો કે તાલિબાન સરકારે તેના એક મંત્રાલયને ‘પ્રમોશન ઓફ વર્ચ્યુ એન્ડ પ્રિવેન્શન ઓફ ડેવિલ’ નામ આપ્યું છે, પરંતુ તેની ખૂંખાર માનસિકતા થમવાનું નામ લેતી નથી. શરિયા કાયદાની કડક જોગવાઈઓ લાગુ કરવા માટે તાલિબાન કુખ્યાત છે. આમાં મહિલાઓને ઘરની બહાર જવાની કે પુરુષ વગર કામ પર જવાની પણ મનાઈ છે.
તાલિબાનના એક અધિકારીએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું કે તેમનો ઉદ્દેશ ઇસ્લામની સેવા કરવાનો છે, તેથી (પ્રમોશન ઓફ વર્ચ્યુ એન્ડ પ્રિવેન્શન ઓફ ડેવિલ) ભલાઈ અને સદ્ગુણ મંત્રાલયની જરૂર છે. અફઘાનિસ્તાનના કેન્દ્રીય ક્ષેત્ર માટે જવાબદાર હોવાનો દાવો કરનાર મોહમ્મદ યુસુફે આ અમેરિકી અખબારને જણાવ્યું હતું કે તાલિબાન શાસન ઉલ્લંઘન કરનારાઓને “ઇસ્લામિક નિયમો” અનુસાર સજા કરશે.
યુસુફે કહ્યું કે કોઈપણ ખૂની, જેણે ઈરાદાપૂર્વક ગુનો કર્યો હોય તેને પણ મારી નાખવામાં આવશે. જો આરોપીએ ઇરાદાપૂર્વક હત્યા ન કરી હોય, તો તેને ચોક્કસ રકમ ચૂકવવા પર છોડી શકાય છે.

(11:57 pm IST)