Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

રાજકોટમાં આજે ૭ મોતઃ નવા ૩૦ કેસ

કુલ કેસનો આંક ૭૪૫૧એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૬૩૯૦ દર્દીઓએ કોરોનાને હરાવતા રિકવરી રેટ ૮૬.૧૦ ટકા થયો : શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૬૮૭ બેડ ખાલી : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી શહેર અને જીલ્લામાં ૯ મોત પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિ

રાજકોટ, તા. ૧૪: કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટમાં મૃત્યુ અને કેસનાં આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેર-જીલ્લામાં માત્ર ૭ના મોત અને રાજકોટમાં બપોર સુધીમાં ૩૦ કેસ નોંૅધાયા હતા.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૩નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૪ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૭ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

જયારે ં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે ૨૪ કલાકમાં કોરોનાનાં ૯ મોત પૈકી એક પણ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧ ૬૮૭ બેડ ખાલી છે.

બપોર સુધીમાં ૩૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૪૫૧  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૬૩૯૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૬.૧૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૮૬૪  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૮૮  ટકા થયો  હતો. જયારે ૧૦૪ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  ૭ મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૮૨,૯૨૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૪૫૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૬ ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ રાજહંસ-રૈયા રોડ, વૈશાલીનગર, સર્વોદય સોસાયટી-ન્યુ થોરાળા, તિરૂપતિ બાલાજી પાર્ક-કોઠારિયા રોડ, ન્યુ કોલેજ વાડી - કેકેવી હોલ પાસે, અધિરામ સોસાયટી, નારાયણ નગર, ભીડભંજન સોસાયટી - યુનિવર્સિટી રોડ, ગઢિયા નગર- સંત કબીર રોડ સહિતના વિસ્તારોમાં ૫૯ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૩૯ હજાર ઘરોનો સર્વેઃ ૫૯ લોકોને તાવ,શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૯,૪૩૬ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૫૯ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે રામેશ્વર પાર્ક, રૈયાગામ, ગોવિંદનગર, સ્લમ હુડકો, દરબાર ગઢ, સુંદરમ પાર્ક, સમ્રાટ વિસ્તાર, ટપુભવન, નહેરુનગર, બેડીપરા સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૦૬૭  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:51 pm IST)