Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોનાને હરાવવામાં દુનિયાભરમાં ભારત સૌથી આગળ

પ્રતિ ૧૦ લાખની વસ્તી પર કોરોના સંક્રમણનો ભોગ બનનાર અને તેનાથી જીવ ગુમાવનારની સરેરાશના મામલે ભારત મહત્વના રાષ્ટ્રોથી ઘણો પાછળ : નવા કેસ અને મોતની રફતાર અન્ય દેશોના મુકાબલે ઓછીઃ રિકવરી રેટના મામલામાં ભારત દુનિયાભરમાં સૌથી આગળ : ભારતમાં ૧૦ લાખે ૪૭૯૪ દર્દીઓ અને મૃતકો ૧૩૮ : બ્રાઝીલમાં ૨૩૯૧૧ અને ૭૦૬ : અમેરિકામાં ૨૩૦૭૨ અને ૬૪૨ની સંખ્યા છે

નવી દિલ્હી તા. ૧૪ : કોરોના વાયરસને લઇને સતત રાહતના સમાચાર મળી રહ્યા છે. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯થી અસરગ્રસ્ત દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસથી અમેરિકા બાદ ભારત બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે પરંતુ હૈયે ટાઢક મળે એવી વાત એ છે કે ભારતમાં પ્રતિ ૧૦ લાખની વસ્તી પર કોરોના સંક્રમણના સંકજામાં આવતા અને તેનાથી જીવ ગુમાવનારાના સરેરાશ કેસમાં તે મહત્વના રાષ્ટ્રથી તે ઘણો પાછળ છે. એટલે કે ભારતમાં મળનારા કોરોનાના નવા કેસ અને મોતની રફતાર અન્ય દેશોના મુકાબલે ઘણી ઓછી છે. એટલું જ નહિ રિકવરી રેટના મામલામાં ભારત દુનિયાભરમાં સૌથી આગળ છે.

કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર પ્રતિ ૧૦ લાખની વસ્તી પર સંક્રમણમાં આવનારાની સરેરાશ સંખ્યા ૪૭૯૪ છે અને મૃતકોની સંખ્યા ૧૩૮ છે. કોરોના સંક્રમણથી પ્રતિ ૧૦ લાખની જનસંખ્યા પર સૌથી વધુ પ્રભાવિત બ્રાઝીલમાં ૨૩૯૧૧ની  સરેરાશ છે અને ત્યાં આટલી વસ્તી પર વાયરસથી મરનારા લોકોની સંખ્યા સૌથી વધુ ૭૦૬ છે. અત્રે એ નોંધનિય છે કે બ્રાઝીલ વિશ્વમાં આ મહામારીથી ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. ભારતમાં આ સંખ્યા ક્રમશઃ ૫૧૯૯ અને ૭૯ છે.

કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિશ્વ મહાશકિત અમેરિકા છે ત્યાં પ્રતિ ૧૦ લાખ પર કોરોના પીડિતોની સરેરાશ ૨૩૦૭૨ અને મૃતકોની સંખ્યા ૬૪૨ છે. દક્ષિણ આફ્રીકામાં આ આંકડો અનુક્રમે ૧૧૬૭૫ અને ૬૩૧ તો ફ્રાંસમાં ૧૦૮૩૮ તથા ૪૯૮ છે. જ્યારે રૂસમાં ૮૯૯૨ અને ૩૦૦ છે. બ્રિટનની વાત કરીએ તો ૮૮૯૩ અને ૧૫૬ છે.

ભારતમાં કોરોના ટાઢો પડયો હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસથી નવા કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં જે રીતે કોરોનાએ ધુણવાનું શરૂ કર્યું હતુ તે હવે ઓકટોબરમાં ઓછું કર્યું હોય તેવું જણાય છે.

(9:57 am IST)