Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોના કાળમાં ઉધાર લઇને ખર્ચ કરનારાની સંખ્યા વધી

૬ માસમાં અઢી ગણી વધી ઉધાર લઇને ખર્ચ કરવાની ટેવ : સ્ટેટ બેંકનો રિસર્ચ રિપોર્ટઃ કોરોનાના સમયમાં મધ્યમ વર્ગની કમાણી પર અસર : ખાતાઓ ખાલી થવા લાગ્યા

કાનપુર તા. ૧૪ : કોરોના કાળમાં ઉધાર લઇને ખર્ચ કરનારાઓની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. ક્રેડીટ કાર્ડ દ્વારા ખર્ચ કરવાની સરેરાશ રકમ એપ્રિલની સરખામણીમાં સપ્ટેમ્બરમાં અઢી ગણી વધી ગઇ છે. ડેબિટ કાર્ડ દ્વારા રૂપિયા ઉપાડવાનું પણ એપ્રિલની સરખામણીમાં સપ્ટેમ્બરમાં લગભગ બમણું થઇ ગયું છે.

ખર્ચના આ ટ્રેન્ડની માહિતી ભારતીય સ્ટેટ બેંકના રિસર્ચ રિપોર્ટ 'અનલોક પછીના ચાર મહિના' અને બેંકના આંકડાઓ દ્વારા મળી છે. રિપોર્ટ અનુસાર એપ્રિલમાં એક ક્રેડીટ કાર્ડથી સરેરાશ ૩૬૨૦ રૂપિયા ખર્ચાતા હતા. જુલાઇમાં આ રકમ વધીને ૭૯૫૦ અને સપ્ટેમ્બરમાં ૮૬૬૦ રૂપિયા થઇ ગઇ હતી. એટલે કે ૬ મહિનામાં ક્રેડીટ કાર્ડથી થતો ખર્ચ અઢી ગણો વધી ગયો.

અર્થ નિષ્ણાંતો માને છે કે કોરોના કાળમાં મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગની આવક પર અસર થઇ છે એટલે તે વર્ગ ક્રેડીટ કાર્ડ દ્વારા ઉધારમાં ખર્ચ કરવા મજબૂર બન્યો છે.  ડેબીટ કાર્ડ એટલે બેંકમાં જમા આપની રકમ ખર્ચ કરવાનું માધ્યમ એપ્રિલમાં લોકો ડેબીટ કાર્ડ દ્વારા દર મહિને સરેરાશ ૧૦૫૦૦ રૂપિયા કાઢતા હતા. જુલાઇમાં આ રકમ વધીને ૨૩૭૦૦ રૂપિયા થઇ ગઇ જે સપ્ટેમ્બરમાં ઘટીને ૨૦૧૦૦ રૂપિયા થઇ હતી.  સ્પષ્ટ છે કે જુલાઇમાં લોકોના ખાતામાંથી સૌથી વધારે રકમ ઉપડી હતી. સપ્ટેમ્બરમાં થોડી ઓછી રકમ ઉપડવાથી માની શકાય કે ખાતામાં કાં તો પૈસા નહોતા બચ્યા અથવા અસુરક્ષા અનુભવીને બચત ઉપર ધ્યાન આપવામાં આવ્યું. એપ્રિલથી જુલાઇ વચ્ચે વધારે પૈસા ઉપાડયા હોવાથી જ્યારે ખાતામાં પૈસા ઓછા રહ્યા તો ઉપાડવાનું પણ ઘટી ગયું.(૨૧.૪)

 

(10:33 am IST)