Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

તહેવારોમાં ગાર્મેન્ટ-ફુટવેર-ઇલેકટ્રોનિકસનું વેંચાણ વધવા આશાવાદ

નાણામંત્રીના રાહત પેકેજથી અર્થતંત્રને આંશિક લાભ થવાની શકયતાઃ જો કે સોના-ચાંદીની જવેલરીનું વેંચાણ વધે તેવી શકયતા નથી

મુંબઈ,તા. ૧૪: કોરોનાના કારણે છ મહિના સુધી ચાલેલા લોકડાઉનના કારણે અર્થતંત્રને પારાવાર નુકસાન થયું છે અને તેની ગાડી ફરી પાટે ચઢાવવા માટે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરેલા શરતી પેકેજથી બજારમાં કયાંક ખુશી તો કયાંક નિરાશાનો માહોલ છે. ૧૨ ટકા જીએસટી બિલ ધરાવતી ખરીદી સામે કેન્દ્રીય કર્મચારીઓને એડવાન્સ મંજૂર થશે એવી શરત હોવાથી ૧૨ ટકા કરતાં ઓછો જીએસટી ધરાવતી સોના-ચાંદીની જવેલરી અને ટેકસ્ટાઇલ, વેચાણ વધવા સામે પ્રશ્નાર્થ છે. જોકે, ગાર્મેન્ટ, ફૂટવેર અને ઇલેકટ્રોનિકસની વસ્તુઓનું વેચાણ વધશે, એવો આશાવાદ વેપારી આલમે વ્યકત કર્યો છે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને કરેલી જાહેરાત અંગે અમદાવાદ મસ્કતી માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે મૂળ તો બજારમાં ગમે તે સ્વરૂપે નાણાં ઠલવાય તેવો સરકારનો આશય છે. દિવાળીમાં ખરીદશકિત વધે તે માટે આ પ્રોત્સાહનો અપાયા છે. જોકે, ગ્રાહકોની જરૂરિયાત કેવી છે તે જોવાનું રહેશે. આખરે તો સરકાર પાસે ૫થી ૧૮ ટકા નાણાં પરત આવવાના છે.'

પાંચકુવા કલોથ માર્કેટના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણયથી કાપડની પણ ઘરાકી નીકળશે તેવી અપેક્ષા રાખી શકાય, કારણ કે રૂપિયા બજારમાં આવશે તો ખર્ચ તો થશે જ. ટૂંકમાં બજારમાં નાણાં ફરતા થશે તો થોડોઘણો પ્રવાહ ગારમેન્ટ બાજુ પણ આવશે તેમ મનાય છે. બીજું કારણ તહેવારો આવી રહ્યા હોવાથી અને નાણાં આવી જતા દ્યરાકી મળશે તેવી સંભાવના છે.'

નાણાપ્રધાને કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી વાઉચર સ્કીમ અને રૂ. ૧૦ હજારનું ફેસ્ટિવલ એડવાન્સની જાહેરાત કરતા દેશભરનાં નાના વેપારીઓના ધંધાને વેગ મળશે. તેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રુપીન પચ્ચીગરે કહ્યું હતું. લોકોના હાથમાં નાણાં આવશે તો આપોઆપ અર્થતંત્ર ધબકતું થશે. કોરોના મહામારીમાં નિરાશ અને હતાશ થયેલા લોકો હાલ હરવા-ફરવા તો બહાર જઇ શકે તેમ નથી, પરંતુ હાથ પર નાણાં આવશે તો ઓનલાઇન કે દુકાનો પર જઇ શોપિંગ કરી જીવનને આગળ ધપાવશે. ગારમેન્ટ, ફૂટવેર અને ઇલેકટ્રોનિકસના વેપારમાં તેજીનાં અણસાર છે. લાંબા સમય બાદ નાણાપ્રધાનના ઉત્સાહવર્ધક પગલાંથી લોકોમાં ઉત્સાહનો નવા સંચાર જોવા મળશે.'

નાણાપ્રધાને સરકારી કર્મચારીઓને ખુશ કર્યા છે, પરંતુ આ સાથે જ નાના વેપારીઓના વેપાર વધવાના દ્વાર ખુલ્યા છે, એમ કૈટના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે કહ્યું હતું. નાણાપ્રધાનની જાહેરાતથી દિવાળીમાં વેપાર સુધરવાનો અવકાશ જણાઈ રહ્યો છે. અનલોક ૪.૦થી ઇલેકટ્રોનિકસ આઇટમના વેપારમાં સામાન્ય એવો તેજીનો કરંટ જોવા મળ્યો છે. નાણાપ્રધાનની જાહેરાત બાદ ઇલેકટ્રોનિકસ સાથે રેડીમેડ ગારમેન્ટના ક્ષેત્રમાં તેજી જોવા મળશે. એલટીસી લાભને નકદીના રૂપમાં ઉપયોગ થવાની તંત્રમાં નાણાં ઠલવાશે. લોકડાઉન બાદ ખૂલેલા બજારમાં આમ પણ ખરીદદાર વર્ગની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. આ જાહેરાત બાદ ફેસ્ટિવલ સિઝનમાં ખરીદદાર વર્ગ ઉત્સાહ સાથે ખરીદી માટે આવશે જે આવકારદાયક બાબત છે.

ભારત સરકારના રૂ. ૭૩,૦૦૦ કરોડના નવા રાહત પેકેજથી ભારતીય અર્થતંત્રમાં ટૂંકા ગાળામાં ગતિશીલતા આવશે. આનો સીધો લાભ ૩ ટકા જીએસટીવાળા બુલિયન કે જવેલરી બજારને નહિ મળે. અલબત્ત્।, લોકોના હાથમાં તહેવારો પૂર્વે ખરીદશકિત આવતા અન્ય રોજગારોમાં આવેલા આ નાણાં વહેલા-મોડા બુલિયન/જવેલરી બજારમાં આવવાની સંભાવના નકારી શકાય નહીં, એમ ઇબ્જા (ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા અને બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈદ્યે કહ્યું હતું.'

ભાર્ગવ વૈદ્યનું સ્પષ્ટ માનવું છે કે સરકારી કર્મચારીઓને અપાયેલા નવા આર્થિક પેકેજથી અર્થતંત્રને આંશિક લાભ જરૂર થશે. જો રાજય સરકારો પણ પોતાના કર્મચારીઓને આવો જ લાભ તહેવારો પૂર્વે આપવાનું વિચારશે તો બજારમાં પ્રવર્તતી નિરાશા, આશાવાદમાં પરાવર્તિત થશે. માત્ર ૯૩ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને માર્યાદિત લાભ મળવાનો હોવાથી લાંબા ગાળાનાં ખરીદશકિતના આશયો પરિપૂર્ણ થવા મુશ્કેલ છે. ભારતને જરૂર છે, લાંબા ગાળાની આર્થિક ગતિશીલતાની.'

સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે જો નાણાપ્રધાનની વાત માનીએ તો, તેમના અંદાજ મુજબ રૂ. ૩૨,૦૦૦ કરોડ સીધા જ બજારમાં ઠલવાશે. ૧૩૦ કરોડની વસ્તીમાંથી ૧ કરોડ કરતા ઓછા સરકારી કર્મચારીઓને જ તેનો લાભ મળવાનો છે, ત્યારે અર્થતંત્રમાં પડેલા ગાબડાંમાં આ એક નાનું સરખું થીગડું મારવા જેવી આ યોજના છે. સોનાના ભાવ રૂ. ૫૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હોય ત્યારે, આ યોજનામાંથી અમારા ભાગે શું આવશે? એવો સવાલ તેમણે કર્યો હતો.'

અન્ય એક બુલિયન ડીલરે કહ્યું કે સરકારે નવા રાહત પેકેજમાં ઘણા બધા અંતરાયો મુકયા છે. ૧૨ ટકા જીએસટી ધરાવતા માલસામાન ખરીદીના બિલ પહેલા રજુ કરવાના છે, તેની સામે તમને રોકડ રાહત મળવાની છે. હવે જો કોઈ વેપારી જીએસટી નોંધણીમાં ન હોય અને તેની પાસેથી ખરીદી થઇ હશે તો, એ સ્થિતિમાં કર્મચારીને લાભ નહિ મળે. સરકારે એક કાંકરે બે પંખી મારવાનો પ્રયાસ કર્યો છે. નિર્મલા સીતારામનનાં અંદાજ મુજબ જો રૂ. ૩૨,૦૦૦ કરોડ ખર્ચાઈ જાય તો તેમાંથી સરકારને જીએસટી રૂપે રૂ. ૩૦૦૦ કરોડ પાછા મળવાના છે, જે સરકારી આવક છે.

(10:36 am IST)