Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સો મણનો સવાલ

થિયેટરો ખોલવાની છૂટ : પણ દર્શકો આવશે ખરા?

થિયેટરો ખૂલશે તો ખર્ચ વધશે : નવી ફિલ્મો બનતી નથી ત્યારે જૂની ફિલ્મો કોણ ચલાવશે?

રાજકોટ, તા.૧૪: લોકડાઉન-પમાં સરકારે મનોરંજન ક્ષેત્રને પણ છૂટછાટો આપી છે. ૧૫મીથી માર્ગદર્શિકા પ્રમાણે સિનેમાગૃહો અને મલ્ટીપ્લેકસ ખૂલવાના છે. જોકે હવે ફિલ્મગૃહો શરૂ કરવામાં આવે તો નવી ફિલ્મો લાગવાની નથી અને જૂની ફિલ્મો દર્શાવવાની દ્વિધા છે. કારણકે તકેદારી વચ્ચે પણ જોખમ લઇને આવવા માટે કેટલા દર્શકો તૈયાર થશે તે મોટો સવાલ છે. આ સ્થિતિમાં નફો થવાને બદલે ઉલટાનો ખર્ચ વધશે તેવો સૂર વ્યકત થઈ રહ્યો છે.

થિયેટર એસોસિએશનના જણાવ્યા અનુસાર બંધ થયું ત્યારથી સ્ટાફનો પગાર, થિયેટરનું મેઈન્ટેનન્સ, વેરાઓ વગેરેનો ખર્ચ ચાલુ જ છે. છ-સાત મહિનાથી કોઈ આવક નથી. હવે અનલોકમાં નિયમ મુજબ એક સીટ છોડીને એક દર્શકને બેસાડવાના છે. કોરોનાથી દર્શકોને બચાવવા થીયેટરમાં સેનીટાઇઝીંગ સતત કરવાનું છે. એન્ટ્રી વખતે પ્રાથમિક તપાસ, સોશ્યલ ડિસ્ટન્સ વગેરે કડકાઇથી પાળવાના છે. આ સંજોગોમાં ટોકિઝ ચાલુ કરવામાં આવે તો ઉલટાનો ખર્ચ વધી જશે. હવે ટિકિટનો ભાવ વધારી શકાય એમ નથી. એ જોતા છૂટ હોવા છતાં હાલના તબક્કે થિયેટર શરૂ કરવું પોસાય એમ નથી.

નવી ફિલ્મોના શૂટીંગ બંધ થયા પછી હવે ધીરે ધીરે શરૂ થયા છે. જોકે કોઇ ફિલ્મ થિયેટરમાં આવવા માટે હજુ તૈયાર નથી. ઓનલાઇન પ્લેટફોર્મ પર કેટલીક નવી ફિલ્મો આવી છે. પરંતુ તે થિયેટરમાં ચાલશે નહીં. થિયેટર માલિકો પાસે જૂની ફિલ્મો પડી છે. કોરોનાના સંક્રમણનું જોખમ લઈને જૂની ફિલ્મો જોવા કોણ આવે ? એ સવાલ છે. ટોકિઝની અંદર એક સીટ છોડીને એક દર્શકને બેસાડી શકાય છે પરંતુ ઈન્ટરવેલમાં નાસ્તા માટે કેન્ટીન પર થતી ભીડ (કેન્ટીનમાં પેક ફૂડ જ વેચવાની શરત છે), ટોયલેટ-બાથરૂમમાં થતી ભીડ, ફિલ્મો શરૂ થતી વખતે અને છૂટતી વખતે થતી ભીડને ટોકિઝના સિકયુરીટી ગાર્ડ કઈ રીતે અને કયાં સુધી કન્ટ્રોલ કરી શકે એ સ્થિતિ પણ વિચાર માગી લે છે. આ ફરજ બદલ થિયેટરના સ્ટાફ પર કોરોનાથી સંક્રમિત થવાનું મોટું જોખમ છે. કારણ કે દરેક શો સાથે દર્શકો બદલતા હોય છે, પરંતુ સ્ટાફ એનો એ જ હોય છે.

સામાન્ય રીતે સ્વૈચ્છાએ ફિલ્મો જોવા આવતા દર્શકોએ પોતાની કાળજી અને જવાબદારી રાખીને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું વગેરેનું પાલન કરવાનું હોય છે. પરંતુ જો તેમાં દર્શકો ગાફેલ રહે અને તે બદલ થિયેટર માલિકોની જવાબદારી ફિકસ કરવામાં આવે તો મુશ્કેલી થાય તેની ભીતિ પણ છે.

દરમિયાન રશ્મિકાંતભાઈએ જણાવ્યું હતું કે સિંગલ ક્રીન કે મલ્ટી પ્લેકસ થિયેટરો ખોલવા કે નહીં એ નિર્ણય જે-તે ટોકિઝના સંચાલકોએ વ્યકિતગત કરવાનો છે. પરંતુ કોરોનાના વધતા કેસ જોતા દિવાળી પહેલા અથવા તો ડિસેમ્બર માસ પહેલા થિયેટરો અગાઉની જેમ શરૂ થઈ શકે એવી શકયતા ઓછી છે.

(11:13 am IST)