Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મુકત થતાની સાથે જ મહેબુબાએ ઝેર ઓકયુ

'કાળા દિવસનો કાળો નિર્ણય... અપમાન કયારેય નહીં ભૂલીએ'

શ્રીનગર,તા.૧૪ : જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP ચીફ મહેબૂબા મુફ્તીએ કેદમાંથી મુકત થયાના ગણતરીના કલાકોમાં પાછું ઝેર ઓકયું છે અને સંઘર્ષની જાહેરાત કરી છે. જન સુરક્ષા અધિનિયમ (PSA) હેઠળ અટકાયતમાં લેવાયેલા મુફ્તીને મંગળવારે રાતે મુકત કરાયા. તેમણે ટ્વિટર એકાઉન્ટર પર એક ઓડિયો સંદેશ બહાર પાડીને આર્ટિકલ ૩૭૦ની જોગવાઈઓ હટાવવાના નિર્ણયને કાળો નિર્ણય ગણાવ્યો અને કહ્યું કે કાશ્મીર માટે સંઘર્ષ ચાલુ રહેશે.

મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર શેર કરાયેલા ઓડિયો સંદેશમાં કહ્યું કે, 'હું આજે એક વર્ષથી પણ વધુ સમય બાદ મુકત થઈ છું. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના તે કાળા દિવસનો કાળો નિર્ણય મારા  હૃદય અને આત્મ પર દરેક ક્ષણે વાર કરતો રહ્યો. મને વિશ્વાસ છે કે આવી જ સ્થિતિ જમ્મુ અને કાશ્મીરના લોકોની પણ રહી હશે. કોઈ પણ તે દિવસની બેઈજ્જતીને ભૂલી શકશે નહીં.'

મહેબૂબાએ કહ્યું કે 'દિલ્હી દરબારે ગેરકાયદેસર, બિનલોકશાહી રીતે અમારી પાસેથી છીનવી લીધુ તે પાછું લેવું પડશે. આ સાથે જ કાશ્મીરના મુદ્દાના ઉકેલ માટે હેમત ચાલુ રહેશે, જેના માટે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ રસ્તો સરળ નથી, મને વિશ્વાસ છે કે જુસ્સાથી આ મુશ્કેલ રસ્તો પણ નક્કી થશે. જમ્મુ અને કાશ્મીરના જેટલા લોકો જેલોમાં બંધ છે તેમને જલદી છોડવામાં આવે'.

જમ્મુ અને કાશ્મીરમાંથી ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ આર્ટિકલ ૩૭૦ની જોગવાઈઓ હટાવવાની સાથે મહેબૂબા મુફ્તીને પીએસએ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. ત્યારથી તેમની અટકાયતનો સમય સતત વધી રહ્યો હતો. આખરે ૧૪ મહિના અને ૮ દિવસ બાદ જમ્મુ અને કાશ્મીર પ્રશાસને તેમને મુકત કર્યા. જમ્મુ કાશ્મીરના પ્રમુખ સચિવ સૂચના રોહિત કંસલે આ અંગે જાણકારી આપી હતી.

(11:16 am IST)