Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વૈજ્ઞાનિકો પડ્યા સાચા

યુરોપ અને અમેરિકામાં કોરોનાની બીજી લહેર શરૂ

૩ મહિનામાં અમેરિકામાં ૧.૩૫ લાખ લોકો મોતને ભેટવાની થઈ આગાહી

લંડન,તા.૧૪ : કોરોના મહામારીનો ચેપ દુનિયામાં કુલ ૩૭.૭ મિલિયન લોકોને લાગ્યો છે. અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યા આઠ મિલિયન કરતાં વધી ગઇ છે તો મરણાંક વધીને ૨,૨૦,૦૧૧ થયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ૭.૧૭ મિલિયન થઇ છે જયારે મરણાંક ૧,૧૦,૦૦૦ થયો છે. બ્રાઝિલમાં કોરોનાના કેસોની સંખ્યા પાંચ મિલિયન કરતાં વધારે છે તો મરણાંક ૧,૫૦,૭૦૯ થયો છે. આમ કેસોની સંખ્યાની નજરે ભારત બીજા ક્રમે છે જયારે મરણાંકની નજરે બ્રાઝિલ બીજા ક્રમે છે.

આમ છતાં દુનિયાભરના મોટાભાગના દેશો લોકડાઉન હળવાં કરી રહ્યા છે. કોરોના મહામારી હજી અટકવાનું નામ લેતી નથી તો બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કોરોનાની રસી માટે નોંધણી ૨૦૨૦માં અંતમાં શરૂ થવાની શકયતા છે. યુરોપમાં કોરોના મહામારીએ ફરી જોર પકડતાં અમેરિકા, બ્રાઝિલ અને ભારત કરતાં પણ વધારે દૈનિક કેસો યુરોપમાં નોંધાઇ રહ્યા છે. ઉનાળામાં થોડો સમય કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયા બાદ હવે ફરી કોરોનાના કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધવા માંડી છે.

યુકેમાં બાર ઓકટોબર સુધી કોરોનાના કેસોની સંખ્યા ૬.૪ મિલિયન અને મરણાંક ૪૨,૮૭૫ હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર એ જ દિવસે ૮૭,૧૦૦ નવા કેસો નોંધાયા હતા. કોરોનાના કેસોની સંખ્યા વધવાને પગલે બોરીસ જહોન્સનની સરકારની હાલત કફોડી થઇ ગઇ છે. કોરોના મહામારીનો સામનો કરવામાં મારી સરકાર સતત વિજ્ઞાાનીઓને અનુસરે છે તેમ કહેનાર બોરીસ જહોન્સન હવે તેમના સલાહકારોની વાત અવગણવા માંડયા છે. તેમના ચીફ મેડિકલ ઓફિસરે જ તેમની યોજનાઓથી કશું નહી વળે તેમ કહી ટાઢું પાણી રેડયુંછે. અમેરિકામાં હાલ દરરોજ ૪૯,૦૦૦ કરતાં વધારે કોરોનાના કેસો નોંધાય છે. જે ગયા સપ્તાહ કરતાં ૧૪ ટકા વધારે છે.

ચેપી રોગ નિષ્ણાત ડો. એન્થોની ફોચીએ જણાવ્યું હતું કે આપણે દ્યણી મુસીબતોનો સામનો કરી રહ્યા છીએ પણ તેનો અર્થ બીજું લોકડાઉન લદાશે તેવો નથી. પણ સ્થિતિને સુધારવા વધારે લોકો માસ્ક પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી છે. વોશિગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં કોરોનાના ચેપને કારણે ૧,૩૫,૦૦૦ કરતાં વધારે અમેરિકનોના મોત થઇ શકે છે.

અમેરિકાની ટોચની ડેલ્ટા એરલાઇન્સે ત્રીજા કવાર્ટરના પરિણામોમાં વિરાટ ખાધ દર્શાવી ઇન્વેસ્ટરોને ચેતવણી આપી છે કે વિમાન પ્રવાસની માગ પૂર્વવત થતા બે કે તેથી વધારે વર્ષ લાગી શકે છે.

 ડેલ્ટા એરલાઇન્સનો કુલ લોસ પાંચ બિલિયન ડોલર જાહેર થતા પ્રિ માર્કેટમાં શેરનો ભાવ ત્રણ ટકા ગગડયો હતો. ડેલ્ટાએ ઓપરેટિંગ લોસ ૨.૧ બિલિયન ડોલર કર્યો છે.

એનાલિસ્ટોના મતે યુએસ એરલાઇન્સો આ કવાર્ટરમાં કુલ દસ બિલિયનનું નુકસાન કરશે. કોરોના મહામારીને કારણે પ્રવાસીઓની માગમાં મોટો ઘટાડો થયો છે.

(11:18 am IST)