Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કેરાલા ફરવા જવું છે? ટૂંક સમયમાં પ્રવાસન શરૂ થશેઃ થઇ જાઓ તૈયાર

ક્રમબધ્ધ રીતે પસંદગીના પર્યટન સ્થળો ખૂલતા જશે

રાજકોટ તા. ૧૪ :.. વૈશ્વિક મહામારી કોરોના (COVID-19) તથા લોકડાઉનને કારણે લગભગ તમામ ક્ષેત્રો ઉપર નકારાત્મક અસર જોવા મળી રહી છે. લોકો પણ સતત બંધનમાં રહીને એક અજ્ઞાત ભય સાથે જીવી  રહયા છે.  વારે - તહેવારે ગ્રુપ - સર્કલ તથા ફેમીલી  સાથે બિન્દાસ રીતે ફરવા નિકળી પડતા સહેલાણીઓ તો રીતસર અકળાઇ ઉઠયા છે. સાથે-સાથે કોરોના તથા લોકડાઉનને કારણે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝને કરોડો-અબજો રૂપિયાનો ફટકો પડયો છે.

કોરોના કાળ દરમ્યાન લોકડાઉન પછી ક્રમશઃ અનલોકની પ્રક્રિયા શરૂ થતાં જનજીવન ફરી પાછું ધબકવા માંડયું છે, વિવિધ ક્ષેત્રે છૂટછાટો પણ વધવા માંડી છે. આ બધા જ સંજોગો વચ્ચે કેરાલા ફરવા જવાની ઇચ્છા ધરાવનાર પ્રવાસીઓ માટે ખુશખબર સાંભળવા મળી રહી છે.

કોરોના તથા લોકડાઉન દરમ્યાન ઘરમાં રહીને હેરાન-પરેશાન થઇ ગયેલા ફરવાના શોખીન લોકો માટે 'ઇશ્વરની ભૂમિ'  ગણાતું કેરાલા ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખૂલ્લૂં મૂકવામાં આવશે. ખૂબસૂરત પ્રાકૃતિક દૃશ્યો તથા દરીયાઇ બીચ માટે વિશ્વ પ્રસિધ્ધ એવા ભારતના કેરાલા રાજયમાં ક્રમબધ્ધ રીતે પસંદગીના પ્રવાસન સ્થળો ખૂલ્લા મુકાનાર હોવાનું રાજયના  પર્યટન મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે.

કેરાલા રાજયના પર્યટન મંત્રી કડકમ્પલ્લી  સુરેંદ્રને જણાવ્યું હતું કે કોરોના (COVID-19)  ના દિશા-નિર્દેશો (ગાઇડલાઇન્સ)નું પાલન થાય તે રીતે રાજયના પ્રવાસન સ્થળો ક્રમશઃ શરૂ કરવામાં આવશે. હાઉસ બોટ તથા અન્ય પર્યટન હોડીઓ (બોટ-શીપ) ને સંચાલનની મંજૂરી અપાઇ ગઇ છે. એક નવેમ્બર, ર૦ર૦ થી લોકો બીચ ઉપર પણ ફરવા જઇ શકશે.

જો કે કેરાલામાં પણ કુલ કોરોના ના કેસોની સંખ્યા અત્યાર સુધીમાં ર લાખ ૯૩ હજાર સુધી પહોંચી ગઇ છે. જેની સામે રીકવરી રેશ્યો પણ સારો હોવાનું જાણવા મળે છે.

(11:20 am IST)