Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કાલથી અનેક રાજ્યોમાં શરતોને આધિન શરૂ થશે શાળા - કોલેજો - સિનેમાઘર - સ્વિમીંગ પુલ વગેરે

મનોરંજન પાર્ક - બાગ - બગીચા પણ ખુલશે : કંપની સ્તરે યોજાતા પ્રદર્શનો પણ શરૂ થશે : શાળાઓ - સિનેમા માટે અનેક પ્રકારની શરતોનું પાલન કરવું પડશે : ગાઇડલાઇન્સને અનુસરવું પડશે

નવી દિલ્હી તા. ૧૪ : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના મહામારીના કારણે દેશભરમાં માર્ચથી જ લાગુ કરવામાં આવેલા પ્રતિબંધ બાદ વિવિધ ગતિવિધિઓ ફરી શરૂ કરવા સંબંધિત પાંચમાં ચરણના દિશા-નિર્દેશ આજે બહાર પાડયા છે.

નોટીફિકેશનમાં કન્ટેનમેન્ટ ઝોનની બહારના ક્ષેત્રોમાં ૧૫ ઓકટોબરથી સિનેમા હોલ, મલ્ટીપ્લેકસ અને થિયેટરોને અડધી ક્ષમતાની સાથે ખોલવાની મંજુરી આપી છે. શિક્ષણ સંસ્થાઓને ૧૫ ઓકટોબર બાદ

ખોલવાનો નિર્ણય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવેક પર છોડવામાં આવ્યો છે. ખેલાડીઓની તાલીમ માટે ઉપયોગ થતા સ્વીમીંગ પુલોને ખોલવાની મંજુરી હશે. મનોરંજન પાર્ક અને આ પ્રકારના સ્થાનોને ૧૫ ઓકટોબરથી ખોલવાની મંજુર અપાશે જેના માટે ગાઇડલાઇન સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાશે.

કંપનીઓના સ્તર પર યોજાતા પ્રદર્શનો પણ શરૂ થશે તેના માટે માનક સંચાલન પ્રક્રિયા વાણિજય વિભાગ દ્વારા જાહેર કરાશે. નોટિફિકેશનમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે દેશભરના કન્ટેનમેન્ટ ઝોનમાં પૂર્ણ બંદી ૩૧ ઓકટોબર સુધી લાગુ રહેશે. નવા આદેશો આવતીકાલથી લાગુ થશે. પાંચમાં ચરણમાં કન્ટેનમેન્ટ ઝોનની બહારના ક્ષેત્રોમાં ઉપરાંત અનેક ગતિવિધિઓને શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે. આ આદેશો રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો તથા વિભાગની સલાહથી તૈયાર કરવામાં આવ્યા છે.

૧૫ ઓકટોબર બાદથી શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે. શાળા અને કોચિંગ સેન્ટર જલ્દી ખુલશે. શાળાઓ માટે પણ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. શાળામાં દરેક પ્રકારના નીતિ નિયમો સાથે શાળાને ખુલ્લી મુકવામાં આવશે.

(3:09 pm IST)