Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

તનિષ્ક જાહેરાતમાં ચેતન ભગત મેદાને ચડ્યા

લવ જેહાદના આરોપ સાથે તનિષ્કની જાહેરાત ઉપર સોશિયલ મીડિયા ઉપર ચાલી બબાલ

નવી દિલ્હી, તા.૧૪: તાજેતરમાં ટેલિવિઝન સ્ક્રીન ઉપર જાણીતી જવેલરી બ્રાન્ડની જાહેરાત બાબતે વિવાદ ઉભો થયો છે. પ્રસિદ્ઘ જવેલરી બ્રાન્ડ તનિષ્કે પોતાની એક જાહેરાતને લવ જેહાદને પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ લાગ્યા બાદ જાહેરાત હટાવી લેવામાં છે. જોકે, તેના પર સોશિયલ મીડિયા યૂઝર બે ભાગમાં વહેંચાઈ ગયા છે. લોકો સોશિયલ મીડિયા ઉપર પોતાના વિચાર ઠાલવી રહ્યા છે ત્યારે હવે, જાણીતા લેખક ચેતન ભગતે જાહેરાતનો વિરોધ કરનારાઓ પર કટાક્ષ કર્યો છે કે તેમાંથી મોટાભાગના લોકોમાં તનિષ્કની જવેલરી ખરીદવાની તાકાત નથી. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે વિરોધ કરનારાઓને એક રીતે 'ગરીબ' કહ્યા છે. તેમની આ ટ્વીટ પર યૂઝર્સ હવે તેમને ટ્રોલ કરવા લાગ્યા છે, તો કેટલાક યૂઝર્સ તેમનું સમર્થન પણ કરી રહ્યા છે. જોત જોતામાં ચેતન ભગત ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા.

ટ્વીટમાં શું કહ્યું

ચેતન ભગત તનિષ્કના વિરોધની ચિંતા કર્યા વિના અપીલ કરતા ટ્વીટ કર્યું કે, 'ડિયર તનિષ્ક, તમારા પર આરોપ કરનારા મોટાભાગના લોકો તમને કોઈપણ રીતે અફોર્ડ કરી શકે તેમ નથી. અને તેમની આ વિચારસરણી ઈકોનોમીને એવી જગ્યાએ પહોંચાડી દેશે કે ટૂંક સમયમાં જ તેમની પાસે નોકરીઓ નહીં હોય અને એ રીતે તેઓ ભવિષ્યમાં પણ તનિષ્કમાંથી કંઈ પણ ખરીદવાને લાયક નહીં રહે. તેમના વિશે ચિંતા ન કરો.'

કેટલાક યૂઝર્સે ચેતન ભગતની સમજ ઉપર સવાલ કર્યા હતાંમ તમામ ટ્વિટર યૂઝર્સ ચેતન ભગતની સમજ પર સવાલ ઉઠાવવા લાગ્યા. સુમિત નામના એક યૂઝરે લખ્યું કે, 'ભારત એક એવો દેશ છે, જયાં જયારે પરિવારમાં લગ્ન હોય તો ગરીબમાં ગરીબ પણ બેસ્ટ જવેલરી શોપમાં જાય છે! તમે આ બિઝનેસને નથી સમજતા, તનિષ્ક સમજે છે એટલે તેણે જાહેરાતને પાછી ખેંચી લીધી.' તો એક યૂઝરે 'બહિષ્કાર કટાક્ષ' શૈશ નામના એક યૂઝરે ચેતન ભગતને જવાબ આપ્યો, 'હુમલો? કોણે તનિષ્ક પર હુમલો કર્યો? તેમના શોરૂમ પર એક પણ પથ્થર નથી ફેંકાયો, તેમના એકિઝકયુટિવને એકપણ અપશબ્દ નથી કહેવાયો. કોણે તેમના પર હુમલો કર્યો? ગ્રાહકોને પોતાની પસંદ નક્કી કરવાનો અધિકાર છે. દરેકને એ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો અધિકાર છે, જેનો તે બહિષ્કાર કરવા ઈચ્છે છે. એ જ રીતે જે રીતે નાનપણથી જ તમે તમારા મગજનો બહિષ્કાર કરી રહ્યા છો.'

તો, કેટલાક યૂઝર્સે ચેતન ભગત અને તનિષ્કની જાહેરાતનું સમર્થન પણ કર્યું. મૈત્રી નામની એક યૂઝરે લખ્યું કે,'પરંતુ, મને ખરેખર સમજાતું નથી કે જાહેરાતમાં આખરે ખોટું શું છે! જાહેરાત જોયા બાદ મને એવું નથી લાગ્યું કે, તેમાં કોઈપણ ધર્મ હિંદુ કે મુસ્લિમની વિરુદ્ઘમાં કોઈ વાત છે.'

તનિષ્કની જાહેરાતમાં એક હિંદુ યુવતીનો ખોળો ભરવાની વિધિ દર્શાવાઈ છે. આ યુવતીના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે. તેમાં હિંદુ સંસ્કૃતિને ધ્યાનમાં રાખતા મુસ્લિમ પરિવાર બધા રીતિ-રિવાજોને હિંદુ ધર્મ મુજબ કરતા દર્શાવાયા છે. જાહેરાતમાં ગર્ભવતી યુવતી તેની સાસુને પૂછે છે, મા આ વિધિ તો તમારા ઘરમાં થતી પણ નથી. તેના જવાબમાં સાસુ કહે છે કે, દીકરીને ખુશ રાખવાની વિધિ તો દરેક ઘરમાં થાય છે ને. જાહેરાત લવ જેહાદને પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ લાગતા અને સોશિયલ મીડિયા પર તનિષ્કના બહિષ્કારની અપીલો બાદ કંપનીએ જાહેરાતને પાછી ખેંચી લીધી. આ જ પ્રકારનો એક વિવાદ હોળી દરમિયાન સર્ફ એકસલની એક જાહેરાતને લઈને પણ થયો હતો.

જાહેરાત મુદ્દે સોશિયલ મીડિયામાં સ્વરા ભાસ્કરે પોતાના ટ્વીટમાં તનિષ્ક દ્વારા એડ પાછી ખેંચવા ઉપર લખ્યું, 'આટલી મોટી કંપની અને આટલી નબળી કરોડરજ્જૂ' જણાવવાનું કે સ્વરા ભાસ્કર સિવાય બોલીવુડના જાણીતા ડિરેકટર ઓનિરે પણ ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ધ્યાન ખેંચી રહ્યું છે. પોતાના ટ્વીટમાં ઓનિરે લખ્યું છે કે, 'અમે નિરાશ છીએ... ખૂબ જ દુઃખની વાત છે.' તેમના સિવાય ફરાહ ખાન અલીએ પણ તનિષ્કને લઈને ટ્વીટ કર્યું છે. બોલીવુડ કલાકારોથી જુદાં શશિ થરૂર જેવા નેતાઓએ પણ તનિષ્કના વિજ્ઞાપન પર ટ્વીટ કર્યું હતું.

(3:41 pm IST)