Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

રાજ્યસભામાં ભાજપને મોટો લાભ : યુપીની ૧૦ માંથી ૮ બેઠકો મેળવશે : કુલ સંખ્યા ૯૦ ઉપર થશે

નવેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપને લાભ થશે : રાજ બબ્બરની ઉત્તરાખંડની બેઠક પણ ભાજપના ફાળે જશે

નવી દિલ્હી,તા.૧૪ : રાજ્યસભાની નવેમ્બરમાં ખાલી થનાર ૧૭ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત ગઇકાલે કરવામાં આવી. જેના ઉપર ૯ નવેમ્બરે મતદાન યોજાશે. આ બેઠકોમાં યુપીની ૧૦ અને ઉત્તરાખંડની ૧ બેઠક સામેલ છે. ભાજપને ફાયદો થવાની અને કોંગ્રેસ, સપા, બસપાને નુકસાનીની શકયતા છે. તેવામાં ભાજપની રાજ્યસભામાં ૯૦ બેઠકો થશે.

યુપીમાં સપાના ચંદ્રપાલસિંહ યાદવ, રવિ પ્રકાશ વર્મા, વિશાંભર પ્રસાદ નિષાદ, જાવેદ અલી, રામગોપાલ યાદવ, ભાજપના અરૂણસિંહ તથા નીરજ શેખર, બસપાના વીરસિંહ અને રાજારામ તથા કોંગ્રેસના પીએલ પુનીયાનો કાર્યકાળ સમાપ્ત થશે. જ્યારે ઉત્તરાખંડમાં કોંગ્રેસના રાજ બબ્બર પણ નિવૃત થશે.

યુપી વિધાનસભામાં કુલ ૪૦૩ બેઠકો છે. જેમાંથી ૮ બેઠકો ખાલી છે. રાજ્યસભાની બેઠક માટે ધારાસભ્યોના મતની જરૂર હોય છે. ભાજપના ૩૦૪ ધારાસભ્યો છે. ભાજપ રાજ્યસભાની ૧૦ માંથી ૮ યુપીમાં જીતી શકે તેમ છે. ઉપરાંત ભાજપને અપના દલના ૯ અને અપક્ષ ૩ ધારાસભ્યોનું પણ સમર્થન મળેલું છે. બસપાના ૧૮, કોંગ્રેસના ૭, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ૪, આરએલડી અને નિર્બલ ઇન્ડીયન શોષીત હમારા આમ પક્ષના ૧-૧ ધારાસભ્યો પણ છે.

રાજ્યસભાના કુલ ૨૪૫ સભ્યો છે. હાલ ભાજપના ૮૬, કોંગ્રસના ૪૦, સપા ૮, બસપાના ૪ સભ્ય છે. ચૂંટણીબાદ તસ્વીર બદલી જશે. ભાજપના ૯૫ થી ૯૬ સભ્યો સાથે સૌથી તાકતવર પાર્ટી બનશે. એનડીએ પાસે હાલ ૧૧૨  સભ્યો છે. ચૂંટણી બાદ એનડીએ રાજ્યસભામાં બહુમતની નજીક પહોંચશે. જ્યારે કોંગ્રેસ પાસે ૩૮ સભ્યો છેરહેશે. સપા અને બસપાની અનુક્રમે ૪ અને ૨ બેઠકો ઓછી થશે.

(3:45 pm IST)