Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

૭૦નો વરરાજો, ૫૫ની દુલ્હનઃ હોસ્પિટલમાં ૩ દિવસમાં થઈ ગયો પ્રેમ તો બાળકોએ કરાવી દીધા લગ્ન

ભોપાલ, તા.૧૪: મધ્યપ્રદેશના ભુરાખેડી ગામમાં ખૂબ જ હૃદયસ્પર્શી -રસિક લગ્ન થયાં. એક વૃદ્ઘને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વૃદ્ઘ હોસ્પિટલમાં એક વૃદ્ઘ મહિલાના પ્રેમમાં પડી ગયો હતો. અને પરિવારે તેમના લગ્નની ગોઠવણ કરી હતી. આ લગ્નમાં વરરાજાની ઉંમર ૭૦ વર્ષ હતી જયારે કન્યાની ઉંમર ૫૫ વર્ષની હતી. હકીકતમાં, ૭૦ વર્ષિય ઓમકાર સિંહને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેની મુલાકાત ૫૫ વર્ષીય ગુડિબાઇ સાથે થઈ હતી. ત્રણ દિવસની મુલાકાત બાદ બંનેએ બાકીની જીંદગી એક સાથે વિતાવવાનું નક્કી કર્યું. આ પછી, ચાર પુત્રોના પિતા ઓમકારસિંહે ગુડ્ડીબાઈને ઓટો દ્વારા ઘરે લાવ્યા અને તેમના બાળકોની પાસે આ સ્ત્રી સાથે રહેવાની ઇચ્છા વ્યકત કરી.

આ પછી, ગામલોકો અને ઓમકારસિંહના પુત્ર અને પુત્રવધૂએ તેમના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. લગ્નમાં ઓમકાર સિંહના દિકરા- વહુ, દિકરી, જમાઈ અને સગાસંબંધીઓ જોરજોરથી આનંદ સાથે નાચગાન કરતા હતા. આ લગ્નમાં ગામના સરપંચ, સેક્રેટરીએ ઢોલ પણ વગાડાવ્યો. ગુડ્ડીબાઈને પણ બે દિકરા અને એક દીકરી છે. ખૂબજ ધામધૂમપૂર્વક બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. લગભગ ત્રણ વર્ષ પહેલા ઓમકારસિંહની પહેલી પત્નીનું મોત થયું હતું.

(3:57 pm IST)