Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મેરેજ હોલના રૂ.6.50 લાખ ટેક્‍સ મુદ્દે તમિલ અભિનેતા અને સાઉથ સુપરસ્‍ટાર રજનીકાંત મદ્રાસ હાઇકોર્ટના શરણે

ચેન્નઈ: તમિલ અભિનેતા અને સાઉથ સુપર સ્ટાર રજ્નીકાંતને મદ્રાસ હાઈકોર્ટે ફટકાર લગાવી છે. રજ્નીકાંત ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન દ્વારા તેમના શ્રી રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમ માટે પ્રોપર્ટી ટેક્સ તરીકે 6.50 લાખ રૂપિયાના ટેક્સની માંગ વિરુદ્ધ હાઈકોર્ટના શરણે ગયા હતા. જણાવી દઈએ કે, તે તમિલનાડુમાં ચેન્નઈના કોડમ્બકમમાં આવેલ છે.

કોર્ટે રજ્નીકાંતને ચેતવણી આપી છે કે, ટેક્સની માંગ વિરુદ્ધ કોર્ટમાં આવવાનો ખર્ચ લાગશે. તેમના વકીલે પોતાનો કેસ પરત ખેંચવા માટે સમય માંગ્યો છે.

રજ્નીકાંતે પોતાની દલીલમાં કહ્યું છે કે, કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લાગૂ કરેલા લૉકડાઉનની જાહેરાત બાદ 24 માર્ચ, 2020થી મેરેજ હોલ ખાલી પડ્યો છે. આથી કોઈ આવક નથી થઈ. એવામાં મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા 6.5 લાખ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવો યોગ્ય નથી. સુપરસ્ટારે આ પ્રોપર્ટી ટેક્સને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને કોર્ટમાં તેને રદ્દ કરવાની અરજી કરી હતી.

અભિનેતાએ કહ્યું કે, 6 મહિના કરતાં વધુ સમયથી આ હૉલનો ઉપયોગ થઈ શક્યો નથી. તો પછી તેમની પાસેથી કંઈ વાતનો ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે? જ્યારે કોર્પોરેશને 6 મહિનાના પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માટે તમિલ સુપર સ્ટારને નોટિસ ફટકારી હતી.

મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ પિટિશનમાં રજ્નીકાંતે કહ્યું કે, પ્રોપર્ટી ટેક્સની નોટિસ મળ્યા બાદ તેમણે ચેન્નઈ મ્યુન્સિપલ કોર્પોરેશનને અરજી કરી હતી. જો કે કોર્પોરેશન તરફથી તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહતો.

આ વર્ષે લૉન્ચ કરશે પોતાની પૉલિટિકલ પાર્ટી

અભિનેતા રજ્નીકાંત આ વર્ષના અંત સુધી સત્તાવાર રીતે પોતાની રાજનીતિક પાર્ટીને લૉન્ચ કરશે. અગાઉ અભિનેતા કમલ હાસન પોતાની પાર્ટી લોન્ચ કરી ચૂક્યાં છે. આગામી વર્ષે યોજાનાર તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં આ બન્ને અભિનેતાની પાર્ટી ચૂંટણી લડી શકે છે.

તમિલનાડુની રાજનીતિમાં કાયમથી ફિલ્મી સ્ટારોનું વર્ચસ્વ વધારે રહ્યું છે. તાજેતરમાં અભિનેત્રીમાંથી પૉલિટિશનય બનેલી ખુશ્બુ સુંદર કોંગ્રેસ છોડીના ભાજપમાં સામેલ થઈ ગઈ છે. એવામાં તમિલનાડુ વિધાનસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બનશે.

(4:50 pm IST)