Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સ્વાસ્થ્ય મંત્રાલયને સુશાંતના રિપોર્ટ અંગે માહિતી ન હતી

સુબ્રમણ્યમ સ્વામીની એક ટ્વીટે ખળભળાટ મચાવ્યો : સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો દાવો

નવી દિલ્હી,તા.૧૪ : ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. સ્વામીએ મંગળવારે એક ટ્વીટ કરીને કહ્યું કે, મેં એમ્સ ટીમના કથિત રિપોર્ટ સંલગ્ન મારા ૫ સવાલો પર સવાસ્થ્ય સચિવ સાથે વાતચીત પૂરી કરી લીધી છે. એક સમાચાર ચેનલે આ રિપોર્ટને લઈને દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આ મામલે મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. હવે હું સંબંધિત વિશેષજ્ઞો સાથે વાત કરીશ.

            સ્વામીએ સવાલ ઉઠાવ્યા છે કે શું એમ્સની ટિમે સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું કે પછી માત્ર કૂપર હોસ્પિટલના ડોક્ટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોતાનો મત બનાવ્યો? શું ડોક્ટર સુધીર ગુપ્તાને ઉચ્ચ અધિકારીઓએ કહ્યું હતું કે એમ્સની વિશેષ ટીમ દ્વારા રિપોર્ટ રજુ કરતા પહેલા તેઓ ઈન્ટરવ્યુ આપે? શું એમ્સની ટીમે પુરાવા નાશ કરવા અંગે તપાસ કરી? શું મોતના કારણો પર એક નિશ્ચિત મત બનાવવા માટે ફોરેન્સિક મેડિકલના દ્રષ્ટિકોણથી સામગ્રી અપૂરતી હતી? અને શું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ કેસને મંત્રાલયના મેડિકલ બોર્ડને મોકલવા પર વિચાર કરશે? અત્રે જણાવવનું કે સ્વામીની ટ્વીટ એવા સમયે આવી છે કે જ્યારે થોડા દિવસો પહેલા જ એમ્સની પેનલના રિપોર્ટમાં સુશાંતની હત્યા હોવાની શંકાને ફગાવીને આત્મહત્યાનો કેસ ગણાવવામાં આવ્યો છે.

(7:44 pm IST)