Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

શુક્રવારથી સોમવાર સુધી ચાર દિવસ હાઇકોર્ટ સંપૂર્ણ બંધ રહેશે: સમગ્ર હાઇકોર્ટ બિલ્ડીંગને કમ્પ્લીટ સેનેટાઈઝ કરવાના હુકમો: તમામ ઓફિસરો અને સ્ટાફ માટે ફરજિયાત એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબદારી સોંપી

રાજકોટ:  ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલે એક સરકયુલર જાહેર કરી જણાવ્યું છે કે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રીના આદેશ મુજબ શુક્રવાર ૧૬ ઓકટોબરથી મંગળવાર ૧૯ ઓક્ટોબર સુધી ગુજરાત હાઈકોર્ટનું સમગ્ર બિલ્ડીંગ ચાર દિવસ માટે બંધ રાખવામાં આવશે અને તેને સંપૂર્ણ સેનીટાઇઝ કરવામાં આવશે. 

આ ઉપરાંત હાઈકોર્ટ કેમ્પસમાં રહેલ તમામ ઓફિસો અને રજીસ્ટ્રીના તમામ સ્ટાફ અને તમામ ઓફિસરો માટે એન્ટીજન ટેસ્ટ કરવાના હુકમો કર્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટનું સમગ્ર બિલ્ડીંગ સેનીટાઇઝ કરવાનું અને સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. હાઇકોર્ટની અંદર રહેલ તમામ ચેમ્બરો ઓફિસો રેકોર્ડ રૂમ સહિત બધું જ સેનેટાઈઝ કરી સાફ કરવાનું રહેશે. 

આ સમય દરમિયાન હાઇકોર્ટની તમામ કાર્યવાહી બંધ રહેશે. ૧૬ ઓક્ટોબરથી જયુડીશ્યલ એકેડેમી ખાતે એન્ટીજન ટેસ્ટ  કરવામાં આવશે અને ટેસ્ટ પૂર્ણ થયે સેનેટાઈઝ કરવામાં આવશે.

એડવોકેટ જનરલ, સરકારી વકીલો અને પબ્લિક પ્રોસિક્યુટર અને તેમની ઓફિસો સંપૂર્ણ બંધ રાખવા આદેશ અપાયો છે.

હાઇકોર્ટની પ્રિમાઇસીસમાં આવેલી સરકારી ઓફિસો, એસબીઆઇ, પોસ્ટ ઓફિસ વિગેરેને પણ સેનીટાઇઝ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કહેવામાં આવ્યું છે.

એસીએસ હોમ અને રાજ્યના પોલીસ વડા ને કહેવાયુ છે કે હાઇકોર્ટના સ્થળ ઉપર  સિક્યુરીટી સ્ટાફ ડેપયુટ કરવામાં આવે અને કોઈપણને ત્યાં પ્રવેશ કરવા દેવામાં આવે નહીં.

16 ઓક્ટોબર માટે જે કેશો નોંધાયા છે તે ૨૦ ઓક્ટોબરે હાથ ઉપર લેવામાં આવશે, જ્યારે ૧૯ ૨૦ અને ૨૧ ઓક્ટોબર માટે જે કેશો નોંધાયા છે તેઓને ૨૧ ઑક્ટોબરના રોજ લેવામાં આવશે.

ફિઝિકલ ફાયલિંગ કાઉન્ટરો 20 ઓક્ટોબરના રોજ ફરી ખૂલશે. ઈ-ફાઈલિંગ પોર્ટલો કાર્યરત રહેશે. જ્યારે નવી મેટરો ફાઇલ કરવાની પ્રોસેસ 20 ઓક્ટોબરથી શરૂ થશે તેમ રજિસ્ટ્રાર જનરલના એક સર્ક્યુલરમાં જણાવાયું છે.

(9:35 pm IST)