Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વેંકૈયા નાયડૂના અરૂણાચલ પ્રવાસ પર ચીનનો વિરોધ

અમે આવી ટિપ્પણીને નકારીએ છીએ : વિદેશ મંત્રાલય : ભારતીય નેતા નિયમિત રૂપથી અરૂણાચલ પ્રદેશની યાત્રા કરે છે, જેમ કે ભારતના અન્ય રાજ્યમાં કરે છે : બાગચી

નવી દિલ્હી,  તા.૧૩ : દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડૂના અરૂણાચલ પ્રદેશના પ્રવાસથી ચીનને મરચાં લાગ્યા છે. ચીનના ઉપરાષ્ટ્રપતિએ આ પ્રવાસને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીનના આ વિરોધ પર ભારતે પણ વળતો જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે આવી ટિપ્પણીને નકારીએ છીએ. અરૂણાચલ પ્રદેશ ભારતનો એક અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. ભારતીય નેતા નિયમિત રૂપથી રાજ્યની યાત્રા કરે છે, જેમ કે ભારતના કોઈ અન્ય રાજ્યમાં કરે છે.

હકીકતમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ૯ ઓક્ટોબરે અરૂણાચલ પ્રદેશના પ્રવાસ પર હતા. આ યાત્રા દરમિયાન તેમણે રાજ્ય વિધાનસભાના સ્પેશિયલ સત્રમાં સંબોધન પણ કર્યુ હતું. વિશેષ સત્રને સંબોધિત કરતા ઉરરાષ્ટ્રપતિએ અરૂણાચલ પ્રદેશના વારસા પર વિસ્તારથી ચર્ચા કરી અને કહ્યું હતું કે અહીં હાલના વર્ષોમાં પરિવર્તનની દિશા અને વિકાસની ગતિમાં ઝડપથી નવુ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

ઉપરાષ્ટ્રપતિના પ્રવાસથી ચીન ગુસ્સે થયું છે. બેઇજિંગે બુધવારે કહ્યુ કે, તેણે અરૂણાચલ પ્રદેશને રાજ્ય તરીકે માન્યતા આપી નથી. ઉપરાષ્ટ્રપતિના પ્રવાસ પર પોતાનો વિરોધ વ્યક્ત કરતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજયાને કહ્યુ- સરહદ મુદ્દા પર ચીનની સ્થિતિ સુસંગત અને સ્પષ્ટ છે. ચીની સરકાર ક્યારેય ભારતીય પક્ષ દ્વારા એકતરફી અને ગેરકાયદેસર રૂપથી સ્થાપિત તથાકથિત અરૂણાચલ પ્રદેશને માન્યતા આપતી નથી, અને સંબંધિત ક્ષેત્રમાં ભારતીય નેતાઓની યાત્રાઓનો આકરો વિરોધ કરે છે.

અમે ભારતીય પક્ષથી ચીનની પ્રમુખ ચિંતાઓનું ઈમાનદારીથી સન્માન કરવા, સરહદના મુદ્દાને જટિલ અને વિસ્તારિત કરનારી કોઈપણ કાર્યવાહી બંધ કરવા અને આપસી વિશ્વાસ અને દ્વિપક્ષીય સંબંધોને ઓછા કરવાથી બચવાનો આગ્રહ કરીએ છીએ.

ચીની પ્રવક્તાએ આગળ કહ્યું કે, તેની જગ્યાએ તેણે ચીન-ભારત સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે વાસ્તવિક મજબૂત કાર્યવાહી કરવી જોઈએ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત અને સ્થિર વિકાસના પાટા પર લાવવામાં મદદ કરવી જોઈએ.

ચીની પ્રવક્તાના નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયના અરિંદમ બાગચીએ કહ્યુ- ભારતના એક રાજ્યમાં દેશના એક નેતાના જવા પર ચીનનો વિરોધ કારણ વગરની અને ભારતીય નાગરિકોની સમજથી ઉપર છે. અમે ચીનના સત્તાવાર પ્રવક્તા તરફથી આવેલું નિવેદન જોયું છે. અમે આવી વાતોને નકારીએ છીએ. અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.

મહત્વનું છે કે અરૂણાચલ પ્રદેશને લઈને ચીન સાથે ભારતનો વિવાદ ખુબ જૂનો છે. ડ્રેગન અરૂણાચલ પ્રદેશને સાઉથ તિબેટનો ભાગ માને છે. બંને દેશો વચ્ચે ૩૫૦૦ કિલોમીટરની લાંબી સરહદ છે.

ટસરહદ વિવાદને કારણે બંને દેશ ૧૯૬૨માં યુદ્ધના મેદાનમાં પણ આમને-સામને આવી ચુક્યા છે, પરંતુ હજુ પણ સરહદ પર રહેલા કેટલાક વિસ્તારને લઈને વિવાદ છે, જે ક્યારેક-ક્યારેક તણાવનું કારણ બને છે.

(12:00 am IST)