Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરમાં સ્ટેશન બનાવાશે

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન બાદ અમદાવાદ -દિલ્હી બુલેટ ટ્રેનને લીલીઝંડી

બુલેટ ટ્રેન માટેની લાઇન ગુજરાતના ચાર જિલ્લામાંથી પસાર થશે

નવી દિલ્હી,તા. ૧૪: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બાદ કેન્દ્ર સરકારે અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેનને લીલીઝંડી આપી દીધી છે. અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન માટે ૮૮૬ કિમીની રેલ્વે લાઈન ચાર વર્ષમાં નાખી દેવામાં આવશે તેવું જણાવાવમાં આવી રહ્યું છે. ૩૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર બુલેટ ટ્રેનનાં કુલ ૧૫ સ્ટેશનો હશે. જેમાં ગુજરાતમાં ૩ સ્ટેશનો હશે, તો સૌથી વધારે સ્ટેશન રાજસ્થાનમાં રહેશે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરમાં બુલેટ ટ્રેનનાં સ્ટેશન હશે. અને હાલમાં બુલેટ ટ્રેન માટે સર્વેની કામગીરી ચાલી રહી છે, જેમાં હેલિકોપ્ટર અને ડ્રોનનો સહારો લેવામાં આવી રહ્યો છે.

અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદ, ગાંધનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થનાર છે. આ ચાર જિલ્લાઓમાં જમીન સંપાદન માટે કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓને સર્વેની કામગીરી સોંપી છે. અને અરવલ્લીના ભિલોડા સહિતના વિસ્તારોમાં હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને ચાર જિલ્લાના ૭૦ ગામોમાંથી બુલેટ ટ્રેનની લાઈન નીકળશે. બુલેટ ટ્રેન માટે આ ચારેય જિલ્લાઓમાં ૧૩૨.૬૮ કિમીની રેલવે લાઈન નખાશે. જેમાંથી સાબરકાંઠાના ૩૧ ગામો અને અરવલ્લીના ૧૯ ગામોમાંથી બુલેટ ટ્રેનની લાઈન પસાર થશે. અને રાજયમાં સૌથી વધુ ૫૬.૭૮ કિમીની લાઈન સાબરકાંઠામાં નાખવામાં આવશે.

ગુજરાતના ચાર જિલ્લાના ૭૦ ગામોમાં બુલેટ ટ્રેનને કારણે ૨૩૭.૭૫૨ હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થશે. જેમાં અમદાવાદ જિલ્લામાં ૬ ગામોનો ૧૦.૩૨૮ હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થશે. તો ગાંધીનગરના ૧૪ ગામોનો ૬૫.૮૭૮ હેકટર વિસ્તાર, સાબરકાંઠાના ૩૧ ગામોનો ૧૦૩.૯૧૫ હેકટર વિસ્તાર અને અરવલ્લીના ૧૯ ગામોનો ૫૭.૬૩૨ હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થશે. જો કે, સર્વેની કામગીરી અગાઉ જ ગામડાઓમાં વિરોધના વંટોળ ઉભા થઈ રહ્યા છે. જે ગામોના ખેડૂતોની જમીન જવાની છે તે લોકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. નાના ખેડૂતોની જમીન જશે તો તેમની હાલત કફોડી બની જશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત સૌથી વધુ હિસ્સો સાબરકાંઠામાં હોવા છતાં પણ ત્યાં બુલેટ ટ્રેન માટેનું સ્ટેશન નહીં બને, જેને લઈને પણ સાબરકાંઠાવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

અમદાવાદથી દિલ્હી વચ્ચેની બુલેટ ટ્રેનમાં ૧૫ સ્ટેશન હશે. જેમાં ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર હિંમતનગર સ્ટેશન હશે. જયારે સૌથી વધારે સ્ટેશન રાજસ્થાનમાં હશે. રાજસ્થાનમાંથી બુલેટ ટ્રેનનો ૭૪ ટકા હિસ્સો પસાર થશે. રાજસ્થાનમાં બહરોઈ, જયુપુર, અજમેર, વિજયનગર, ભિલવાડા, ચિત્ત્।ોડગઢ, ઉદેપુર, ડુંગરપુરમાં સ્ટેશન બનશે. જયારે હરિયાણામાં માનેસર અને રેવારીમાં તો દિલ્હીમાં દ્વારકા સેકટર ૨૧માં સ્ટેશન બનશે.

(9:50 am IST)