Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

રાજ્યો પાસે કોલ ઇન્ડિયા માંગે છે ૨૦,૦૦૦ કરોડ

કર્ણાટક - મ.પ્રદેશ - મહારાષ્ટ્ર - રાજસ્થાન - તામિલનાડુ - પ.બંગાળ મોટા ડિફોલ્ટર

 

નવી દિલ્હી તા. ૧૪ : દેશમાં કોલસાના સંકટના કારણે વીજ સંકટનું જોખમ તોળાઇ રહ્યું છે. એ દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું છે કે, રાજ્યો પાસે કોલ ઇન્ડિયાના લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયા બાકી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સૌથી મોટા ડિફોલ્ટર છે. કોલસા મંત્રાલયે ચાર રાજ્યો યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાનને પત્ર લખીને બાકી રકમ ચૂકવવા કહ્યું છે.

કોલસા મંત્રાલયે ત્યાં સુધી કહ્યું કે, રાજ્યોને જાન્યુઆરીથી પત્રો લખીને સ્ટોક લેવા કહી રહ્યું હતું પણ રાજ્યોએ કોઇ જવાબ નહોતો આપ્યો. આટલી બાકી રકમ છતાં રાજ્યોને કોલસાનો સપ્લાય સતત અપાયો છે. કોલસા મંત્રાલયે જણાવ્યું છે કે ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પાસે પણ કોલસાની ખાણો છે પણ આ રાજ્યોએ બહુ ઓછા પ્રમાણમાં કોલસાનું ખનન કર્યું અથવા કર્યું જ નથી.

દેશમાં કોલસાના સંકટનું અન્ય એક કારણ આયાતી કોલસો મોંઘો થવાનું પણ છે. એક રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૧માં આયાતી કોલસાની કિંમત ૪૨૦૦ રૂપિયા પ્રતિટન હતી જે ઓકટોબરમાં વધીને ૧૧૫૨૦ રૂપિયા પ્રતિ ટન થઇ ગઇ છે. આનાથી પણ વીજ ઉત્પાદનની વ્યવસ્થા ડગમગી છે. કેન્દ્રએ કહ્યું છે કે આગામી પાંચ દિવસમાં તે કોલસાનું ઉત્પાદન ૧.૯૪ લાખ ટનથી વધારીને ૨૦ લાખ ટન કરશે.

(10:11 am IST)