Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સેન્સેકસ-નીફટી આસમાને

શું અર્થતંત્રની વાસ્તવિક તસ્વીર રજુ કરે છે શેરબજાર કેટલીક કંપનીઓ જ શિખરેઃ મધ્યમ વર્ગ મોંઘવારીમાં પીસાય છે

શેરબજાર જ તેજીમાં: બેકારી-મોંઘવારી ચિંતા ઉપજાવે છેઃ નાના-મધ્યમ એકમો મજબુત બને તો જ અર્થતંત્રની અસલી તસ્વીર મળી શકે

નવી દિલ્હીઃ દેશની અર્થવ્યવસ્થામાં અત્યારે બે પરસ્પર વિરોધી તસ્વીરો ચોખ્ખી દેખાઇ રહી છે. સેન્સેકસ રેકોર્ડ ઉંચાઇએ (૬૦,૪૦૦ પોઇન્ટ) પહોંચ્યો છે તો નીફટી ૧૮ હજારના મનૌવૈજ્ઞાનિક સ્તરની ઉપર પહોંચી ગયો છે. એ સંકેત છે કે દેશની કેટલીક ખાસ મોટી કંપનીઓ સારૂ પ્રદર્શન કરી રહી છે, તો બીજી તરફ ડુંગળી, બટેટા, ટમેટા, પેટ્રોલ અને રાંધણ ગેસની મોંઘવારીથી મધ્યમ વર્ગને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દેશમાં બેરોજગારી દર અત્યારે પણ ૭.૧ ટકાના ઉંચા દરે છે. જાણકારોનું કહેવું છે કે સેન્સેકસની ઉંચાઇ અર્થવ્યસ્થાની સંપૂર્ણ તસ્વીર નથી રજૂ કરતી.
આર્થિક બાબતોનાં નિષ્ણાંત ડો.નાગેન્દ્ર કુમાર શર્માએ પત્રકારોને કહ્યું કે સેન્સેકસ ફકત ૩૦ મોટી કંપનીઓનો ખેલ માનવામાં આવે છે. વિદેશી રોકાણકાર તેજીની લાલચમાં પૈસા લગાવે છે તો સેન્સેકસ ઉંચો જાય છે અને કોઇ ભયથી વિદેશી રોકાણકારો દ્વારા નાણા પાછા ખેંચાય તો અચાનક તે પડવા લાગે છે. આમાં સૌથી મોટું નુકશાન નાના રોકાણકારોને થાય છે જે કમાણીની લાલચમાં શેર બજારમાં પૈસા લગાવે છે પણ યોગ્ય સમયે યોગ્ય પગલા ના લેવાના કારણે પોતાના નાણાં ગુમાવી બેસે છે.
જો કે કેટલાંક નિષ્ણાંતો માને છે કે અર્થવ્યવસ્થા સારી હોવાના સ્પષ્ટ સંકેત સેન્સેકસ અને નિફટીના શેરબજારમાં જોવા મળે છે. અર્થવ્યવસ્થા સુધરી રહી હોવાની ચોખ્ખી સાબિતી એ છે કે કોર સેકટરના ઉદ્યોગોમાં તેજી આવી રહી છે. એસબીઆઇ, ટાટા સ્ટીલ, બજાજ ફિન ર્સ્વ, ટેક મહિન્દ્રા અને ડોકટર રેડ્ડીઝના શેરોમાં જોરદાર ઉછાળો આવ્યો છે, સ્ટીલ-સીમેન્ટ સેકટરની કંપનીઓના શેરોમાં ઉછાળાથી એ વાત પણ સાબિત થાય છે કે નીચલા સ્તરે બાંધકામના કામોમાં તેજી આવી છે જે પોતાની સાથે અન્ય ૫૦ કામોમાં પણ ઉછાળો ઉત્પન્ન કરે છે.


 

(10:23 am IST)