Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

દક્ષિણ તાઇવાનમાં 13 માળની એક બિલ્ડિંગમાં આગ લાગતા 46 લોકોના મોત

બિલ્ડિંગ 40 વર્ષ જૂની હતી, જેની નીચલા માળ પર દુકાન અને ઉપર એપાર્ટમેન્ટ

તાઇનાન: દક્ષિણ તાઇવાનમાં 13 માળની એક બિલ્ડિંગમાં આગ લાગતા 46 લોકોના મોત થયા છે. લગભગ 51 લોકો આ આગમાં બળી ગયા છે જેમણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કાઉશુંગ શહેરના ફાયર વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યુ કે આગ સવારે ત્રણ વાગ્યે લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ કે ઘણા વિસ્તારને પોતાની ઝડપમાં લઇ લીધા હતા. બીજી તરફ આગ એવા સમયે લાગી હતી કે લોકોને સમજવા વિચારવાની તક મળી નહતી. ફાયર બ્રિગેડ બચાવ અભિયાનમાં જોડાયેલુ છે.

આ આગ કેવી રીતે લાગી, તેનું કારણ હજુ સુધી ખબર પડી નથી. નજરે જોનારાઓનું કહેવુ છે કે તેમણે સવારે ત્રણ વાગ્યે એક વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. તે બાદ આગની લપેટ જોવા મળી હતી. સ્થાનિક તંત્ર અનુસાર બિલ્ડિંગ 40 વર્ષ જૂની હતી, જેની નીચલા માળ પર દુકાન અને ઉપર એપાર્ટમેન્ટ છે.

મહત્વપૂર્ણ છે કે તાઇવાનમાં આવી દૂર્ઘટનામાં મોતના આંકડાની ઓફિશિયલ પૃષ્ટી હોસ્પિટલમાં જ કરવામાં આવે છે. ફાયર બ્રિગેડના પ્રમુખે મીડિયાને જણાવ્યુ કે 11 લોકોના મોત ઘટનાસ્થળે જ થઇ ગયા હતા. મૃતકોના શબ મુર્દાઘર મોકલવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના નિવેદન અનુસાર આગ ભીષણ હતી અને બિલ્ડિંગના કેટલાક માળ આગમાં ખાક થઇ ગયા હતા. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આખી બિલ્ડિંગ આગને કારણે કાળી પડી ગઇ છે, જેને જોઇને અંદાજો લગાવવો મુશ્કેલ છે કે અહી ક્યારેક કોઇ રહેતુ હતુ કે નહતુ.

(7:49 pm IST)