Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

અફઘાનિસ્તાન સાથે વેપાર શરૂ થતાં વેપારીઓને મોટી રાહત :તહેવારોમાં ડ્રાયફ્રૂટના ભાવ નહીં વધે !!

ભાવ સ્થિર રહેશે અને માલની ઉપલબ્ધતા રહેશે: વેપારીઓને આશા

નવી દિલ્હી :દિવાળીના તહેવાર આવી રહ્યો છે, એમાં મુખ્યત્વે ડ્રાયફ્રૂટની માગ વધુ હોય છે. અફઘાનિસ્તાનમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે તહેવારોના સમયમાં ડ્રાયફ્રૂટની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો અને એમાં ભાવ ઊંચા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. હવે અફઘાનિસ્તાન સાથે ફરીથી વેપાર શરૂ થતાં ડ્રાયફ્રૂટ સાથે જોડાયેલા વેપારીઓને મોટી રાહત થઇ છે અને એના પણ ભાવ સ્થિર થયા છે.

 અફઘાનિસ્તાનમાં ઓગસ્ટ મહિનામાં સત્તા પરિવર્તન તથા ભારત સાથેના વેપાર પર મોટી અસર જોવા મળી હતી. તાલિબાને શાસન સંભાળતાં અન્ય દેશો સાથેના મુખ્યત્વે વ્યાપારિક સંબંધો કેવા રહેશે એના પર સૌની નજર રહેલી હતી.

  અફઘાનિસ્તાનથી મુખ્યત્વે અંજીરની આયાત કરવામાં આવતી હોય છે. અફઘાનિસ્તાનના અંજીર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઓગસ્ટ દરમિયાન ત્યાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે માલ આવી શક્યો ન હતો. વેપારીઓના માનવા મુજબ  અફઘાનિસ્તાનથી ફરીથી માલ આવવાની શરૂઆત થઇ છે, જે સારી નિશાની છે. તહેવારના સમયમાં ભાવ સ્થિર રહેશે અને માલની ઉપલબ્ધતા રહેશે. એને કારણે હોલસેલમાં અંજીરના ભાવના 1800-2000 સુધી પહોંચ્યા હતા. જોકે હવે અફઘાનિસ્તાનથી ભારત સહિત વિવિધ દેશોમાં વેપાર ફરી શરૂ થયો છે, જેથી અંજીરના ભાવ ફરીથી સ્થિર થયેલા જોવા મળ્યા છે. હાલ બજારમાં અંજીરના ભાવ 1200-1500 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે.

  ડ્રાયફ્રૂટ અને સ્પાઇસમાં વેપાર સાથે જોડાયેલા વેપારીના કહેવા મુજબ અંજીરની સાથે અફઘાનિસ્તાનની બદામ તથા કાળી દ્રાક્ષની પણ ડિમાન્ડ હોય છે. એ હાલ અફઘાનિસ્તાનથી વાયા અટારી બોર્ડર દિલ્હીમાં માલ આવી રહ્યો છે. જોકે અફઘાનિસ્તાન બેન્કિંગ વ્યવસ્થામાં આ અંગે ભારે અનિશ્ચિતતા છે, જેને કારણે આર્થિક લેવડ-દેવડ દુબઈની બેંકો મારફત કરવામાં આવી રહી છે.

(12:28 pm IST)