Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ઇન્દિરાજીએ ન માત્ર ઘણા વર્ષો સુધી દેશની કમાન સંભાળી , પણ યુદ્ધ દરમિયાન આગેવાની પણ કરી હતી: રાજનાથસિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ 1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી :સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ 1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા તરફ સંકેત કરતા કહ્યું કે, તેમણે ન માત્ર ઘણા વર્ષો સુધી દેશની કમાન સંભાળી, પણ યુદ્ધ દરમિયાન આગેવાની પણ કરી હતી. સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકા પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વેબિનાર “સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકા” ને સંબોધતા સંરક્ષણ મંત્રીએ રાણી લક્ષ્‍મીબાઈ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાષ્ટ્રીય વિકાસમાં મહિલા શક્તિની ભૂમિકા વિશે ભારતનો અનુભવ હકારાત્મક રહ્યો છે.

રાજનાથ સિંહે કહ્યું કે સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકા વિશે વાત કરવી ઠીક છે, પરંતુ સુરક્ષા અને રાષ્ટ્ર નિર્માણના તમામ ક્ષેત્રોમાં તેમના વિશાળ યોગદાનને માન્યતા મળવી જોઈએ. મહિલાઓના ઇતિહાસમાં દેશ અને લોકોના અધિકારોની રક્ષા માટે શસ્ત્રો ઉપાડવાના ઘણા ઉદાહરણો છે. રાણી લક્ષ્‍મીબાઈ તેમાંથી સૌથી આગળ છે. સંરક્ષણ પ્રધાને કહ્યું, “ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ વર્ષો સુધી દેશની કમાન સંભાળી જ નહીં, પણ યુદ્ધ દરમિયાન આગેવાની પણ કરી. થોડા વર્ષો પહેલા પ્રતિભા પાટિલ ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર હતા.”

ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતે પાકિસ્તાન સામે 1971 નું યુદ્ધ જીત્યું અને નવા દેશ બાંગ્લાદેશની રચના થઈ. રાજનાથ સિંહે કહ્યું કે સદીઓથી મહિલાઓ પલક અને રક્ષક તરીકેની ભૂમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું, “સરસ્વતી જ્ઞાન, સમજણ અને શિક્ષણની દેવી છે, જ્યારે મા દુર્ગા રક્ષણ, શક્તિ, વિનાશ અને યુદ્ધની દેવી છે.”

તેમણે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભાગીદારી માટે વહેલી પહેલ કરી હતી અને મહિલાઓને કાયમી કમિશનના રૂપમાં સેનામાં ભરતી કરવામાં આવી રહી છે. રાજનાથ સિંહે કહ્યું, “મહિલાઓ 100 થી વધુ વર્ષોથી ભારતીય લશ્કરી નર્સિંગ સેવામાં ગૌરવ સાથે સેવા આપી રહી છે. ભારતીય સેનામાં મહિલા અધિકારીઓની ભરતી 1992 માં શરૂ થઈ હતી. હવે સેનાની મોટાભાગની શાખાઓમાં મહિલા અધિકારીઓની ભરતી કરવામાં આવી રહી છે.”

(10:05 pm IST)