Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ધનતેરસે ટુ- વ્હીલર- કાર- ટીવી- ફ્રીઝ-ફલેટ- મકાન- સોના- ચાંદી સહિતની વસ્તુઓની ધુમ ખરીદી થઇ

કોરોનાની ચિંતા મૂકી લોકો ખરીદી માટે બહાર નીકળ્યાઃ જવેલર્સને ધનતેરસ ફળીઃ ઇલેકટ્રોનિકસ-હોમ એમ્પ્લાયન્સની પણ ધુમ ખરીદી થતાં ડીલરો ખુશ

નવી દિલ્હી, તા.૧૪: ધનતેરસે ગ્રાહકો સોનું ખરીદવા ઉમટી પડશે એવો જવેલર્સનો અંદાજ સાચો પડ્યો છે. જવેલર્સની દુકાનોમાં સવારથી ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી. અનેક લોકોએ' આભૂષણનું આગોતરું બાકિંગ કરાવ્યું હતું. પરંપરાગત ધોરણે સોનું ખરીદવા આવનારા ગ્રાહકો લગ્નસરાની ખરીદીની પણ શરૂઆત કરતા' હોવાનું જવેલર્સનું કહેવું છે.

ડબ્લ્યુએચપી જવેલર્સના ડિરેકટર આદિત્ય પેઠેએ કહ્યું કે, વેચાણ સારું રહ્યું હતું. ધારણા કરતાં હતી તેના કરતાં આ ધનતેરસ સારી રહી હતી. વેચાણ ગયા વર્ષ કરતાં વધુ થવાની ધારણા છે.

અનમોલના સ્થાપક ઈશુ દત્તવાણીએ આ વાતમાં સૂર પૂરાવતાં કહ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી ધનતેરસ - દિવાળીએ સોનાની ખરીદીના સારા શુકન થઈ રહ્યાં હતાં. ગ્રાહકો અને રોકાણકારોમાં આ વર્ષે સોનું ખરીદવાનો જે ઉત્સાહ છે તેવો' થોડા વર્ષોમાં અનુભવાયો નહોતો. આવનારા દિવસોમાં પણ લોકો સોનું ખરીદશે અને વેચાણ ગયા વર્ષ જેટલું' અથવા તેથી વધુ થવાની ધારણા છે.

લાલા જુગલ કિશોર જવેલર્સના ડિરેકટર તાન્યા રસ્તોગીએ કહ્યું કે, આ વર્ષે ધનતેરસ બે દિવસમાં વહેંચાયેલી હોવાથી વેચાણનો અંદાજ આવી જ ગયો હતો. દર વર્ષ કરતાં આ વર્ષે ધનતેરસ સારી રહી છે. વાર્ષિક ધોરણે વેચાણમાં ગયા વર્ષ કરતાં ૮૦-૯૦ ટકા વેચાણની ધારણા છે.

ઐપ્રા જેમ્સ એન્ડ જવેલ્સના ડિરેકટર વૈભવ સરાફે કહ્યું કે, અત્યાર સુધીમાં ગ્રાહકોની સંખ્યામાં સાત ટકાથી પણ વધુ વૃદ્ઘિ નોંધાઈ છે અને કોરોનાકાળમાં વૃદ્ઘિ દ્યણી સારી છે. લોકો મહામારીથી ઓછા ભયભીત છે અને મુહૂર્ત સાચવવા પણ ખરીદી કરી રહ્યાં છે. ગ્રાહકો સિક્કા અને લગડીની સરખામણીએ આભૂષણ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યાં છે.

શોભા શ્રૃંગાર જવેલર્સના ડિરેકટર સ્નેહલ ચોકસીએ કહ્યું કે, અગાઉના કોઈ પણ વર્ષની સરખામણીએ આ વર્ષની ધનતેરસ વિશેષ છે. દર વર્ષ જેટલા જ ગ્રાહકો આ વર્ષે પણ આવવાની અને ગયા વર્ષને સમાંતર વેચાણ થયું હોવાની શકયતા છે.

ધનતેરસ સાથે દિવાળી પર્વ શરૂ થઈ ચૂકયું છે. કોરોનાની અસર છતાં રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સોના-ચાંદી, પીતળના વાસણો, નવા ઘર-ફલેટ, વાહનો, ફર્નિચર અને હોમ એપ્લાયન્સીસ ખરીદવા સારો એવો ઘસારો જોવા મળ્યો હતો. સોનાના ભાવ ઊંચા હોવાનો કકળાટ હતો છતાં ઠીક ઠીક સારી માગ રહી હતી. વાહનોમાં કાર ખૂબ વેચાઇ છે, ટુ વ્હીલરમાં ઓછું વેચાણ થયું હતું.

સોના-ચાંદી બજારોમાં સવારે માગ ઓછી હતી. પરંતુ, બપોર પછી માગ વધી હતી. ધનતેરસનું મુહૂર્ત સાંજ સુધી જ હતું એટલે બપોરે ગિરદી વધી હતી. લગ્નગાળો આવી રહ્યો હોવાથી તે માટેની ખરીદી વધુ હતી. જોકે, મુહૂર્ત માટે લગડી સિક્કા ખરીદનારા ઓછાં હતા. છતાં આજે ઝવેરીઓના મુખ પર રોનક દેખાતી હતી. ચાંદીના આભૂષણો પણ સાધારણ પ્રમાણમાં વેચાયા હતા.

વાહનોમાં ફોર વ્હીલરની ખૂબ માગ સૌરાષ્ટ્રભરમાં રહી હતી. રાજકોટ શહેર અને આસપાસમાં જ નામી કંપનીઓની આશરે ૪૦૦થી ૪૫૦ કારની ખરીદી થઇ હોવાનું ડિલરોએ કહ્યું હતુ. જોકે, સ્મોલ કારમાં વધારે ખરીદી છે. મોંઘી ગાડીઓ ૨૦ ટકા જેટલી જ વેચાઈ હતી. ટુ વ્હીલરમાં ય ખરીદી હતી પણ પાછલા વર્ષથી ૩૦ ટકા ઓછાં વેચાણ થયાનો વસવસો હતો. કાર કરતા ટુ વ્હીલર વધારે વેચાતા હોય છે પણ આ વર્ષે કાર વધારે વેચાઇ છે. ફર્નિચર બજારમાં પણ છેલ્લાં દિવસે દ્યરાકી હતી. ખુરશી અને સોફાસેટની ખરીદી કરવામાં આવી હતી. અલબત્ત'' રેડીમેડ ગારમેન્ટમાં તો છેલ્લાં પંદરેક દિવસથી ખૂબ ઘરાકી છે.

વડોદરામાં પણ ખરીદી સારી રહેતા આશરે ૧૮ કરોડની કિંમતનું સોનું અને ૩ કરોડની ચાંદીનું વેચાણ થયું હતું. વડોદરાવાસીઓએ શુકન સાચવવા માટે ખરીદી કરી હતી. જોકે, ભીડને લીધે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું.

(9:43 am IST)