Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દિવાળી ટુ દિવાળી- અનેક મુસિબતો અને પડકાર લાવીઃ મોંઘવારીનો રાક્ષસ ધુણ્યોઃ બધુ જ મોંઘુ

કોરોના કાળમાં દરેક ચીજ-વસ્તુ મોંઘી થઇઃ પગાર જેમના તેમઃ દુધ- તેલ- અનાજ- કઠોળ- પેટ્રોલ- સહિતની બધી ચીજવસ્તુના ભાવ વધ્યા

નવી દિલ્હી, તા.૧૪: કોરોનાએ જીવન દોહ્યલું બનાવવામાં કશું બાકી નથી રાખ્યું એવામાં આવશ્યક ચીજવસ્તુઓની મોંઘવારીએ પણ માઝા મૂકી છે. લોકડાઉન, પુરવઠાની અછત, મોંઘું પેટ્રોલ, નબળું ઉત્પાદન વગેરે અસંખ્ય પરિબળોએ લગભગ બધી જ ચીજોને મોંઘીદાટ બનાવી દીધી છે. દિવાળીથી દિવાળીના સમયગાળામાં તીવ્ર વધારો પ્રજાને સહન કરવો પડ્યો છે. હજુ પણ અચ્છેદિન આવે તેવી કોઇ શકયતા દેખાતી નથી. કારણકે દિવાળી પૂર્વે જ ફરીથી કોરોનાના નવા કેસમાં વધારો થવા લાગ્યો છે.

વરસાદ છેલ્લાં ત્રણ વર્ષથી ખૂબ સારો પડી રહ્યો છે એટલે કુદરતે કોઇ સમસ્યા સર્જી નથી. છતાં આ વર્ષના વધારે પડતા વરસાદને લીધે ખેતપાકોને વ્યાપક નુકસાન જરુર થયું છે. એ કારણે પણ મોંઘવારી ભડકી ઉઠી છે. પાછલી દિવાળીએ ખાસ મોંઘવારી થઇ ન હતી એટલે લોકોને ફાયદો મળ્યો હતો. ૨૦૧૯ પછી ૨૦૨૦ના દિવાળી અનેક મુસિબતો અને પડકારોથી ભરપુર આવી છે. દિવાળી બગડવાનું એકમાત્ર કારણ કોરોના છે. કોરોનાની શરુઆત ચીનથી થઇ હતી. હવે ચીન પહેલા રિકવર થઇ ગયો છે અને દરેક કૃષિ ચીજોની બેશૂમાર આયાત કરવા લાગતા તેજી થઇ ગઇ છે. તેજીની આગ સૌથી પહેલા જીવનજરુરી એવા ખાદ્યતેલોને લાગી છે. કોઇ તેલ આ વર્ષે તેજીમાંથી બાકાત રહ્યું નથી.

મગફળીનું બમ્પર ઉત્પાદન થવા છતાં ચીનની નિકાસને લીધે ડબો સસ્તો થવાને બદલે રૂ. ૪૫૦ જેટલો મોંઘો પાછલા વર્ષની તુલનાએ થઇ ગયો છે. સામાન્ય રીતે દિવાળી આસપાસ ભાવ ઘટીને રૂ.૨૦૦૦ના અંદર હોય છે પણ આ વર્ષે બે હજારથી સસ્તો થાય એવી કોઇ શકયતા અત્યારે દેખાતી નથી. ગરીબોના ગણાતા પામતેલમાં તો સીંગતેલથી ય વધારે તેજી થઇ છે. કારણકે પામતેલનો ડબો રૂ. ૫૧૫ જેટલો મોંઘો થઇ ગયો છે. હજુ ૨૦૧૮માં રૂ.૯૮૦માં મળતો પામતેલનો ડબો અત્યારે રૂ.૧૫૬૦માં મળે છે. કપાસિયા તેલ સામાન્ય રીતે રૂ.૧૧૦૦-૧૨૦૦માં મળતું હોય પણ અત્યારે તે રૂ.૧૭૪૦માં વેચાય છે. સૂર્યમુખી તેલ સામાન્ય રીતે સ્થિર રહેતું હોવાનો રેકોર્ડ છે પણ આ વર્ષે એવું નથી બન્યું. રૂ.૧૩૦૦માં વેચાતો ડબો અત્યારે રૂ.૧૮૦૦ નજીક છે. મકાઇનું તેલ પણ મોંઘું છે.

મોંઘવારી ખાદ્યતેલોમાં જ છે એવું નથી. કઠોળમાં મગ, અડદ અને ચણાના ભાવ પણ આસામાને પહોંચી ગયા છે. આસમાનમાંથી વરસેલી ભારેખમ મેઘકૃપાએ કઠોળના પાકને પાછલા વર્ષની માફક આ વખતે પણ બગાડી નાંખતા કોઇ કઠોળ હવે એક કિલોએ સો રૂપિયાથી સસ્તું નથી. તુવેરદાળે તો સૌથી વધારે મોંઘવારી બતાવી છે.

તેલ અને કઠોળની મોંદ્યવારીએ માઝા મૂકી છે એમાંથી રાહત મળે તેમ જ નથી ત્યાં છેલ્લાં એક મહિનાથી હવે ગરીબોની કસ્તુરી ડુંગળી પણ ખિસ્સાને પરવડે તેવી રહી નથી. વરસાદથી સ્ટોકમાં થયેલો બગાડ અને વાવેતર બગડી જતા મુશ્કેલી પડી છે. અત્યારે ડુંગળી રૂ.૫૦-૫૫માં એક કિલો વેંચાય છે. દૂધના ભાવ પાછલા એક વર્ષમાં બેથી ચાર રુપિયા એક જ વખત વધ્યા છે એટલી રાહત છે. જોકે હવે સહકારી ડેરીઓ કયારે ભાવવધારો ઠોકી દેશે એ નક્કી નહીં.

કોરોનાને લીધે દુનિયા આખીના અર્થતંત્રો હલબલી ગયા છે. સરકારે મહામારી સામે લડવા માટે અલાયદા ખર્ચા કરવા પડતા તિજોરી ખાલી થઇ ચૂકી છે. એવામાં પેટ્રોલ અને ડિઝલ ઉપર એકસાઇઝ વધારો ઝીંકીને સરકારે બન્ને જરુરી ઇંધણ આ વર્ષે ખૂબ મોંઘા કરી નાંખ્યા છે. પ્રજા સરવાળે કોરોનાનો માર ભોગવી રહી છે.

કોરોનાએ કિંમતી સોનાની ચમકમાં ધરખમ વધારો કરી નાંખ્યો છે. સોનાનો ભાવ ખૂબ વધ્યો છે. લોકોએ મહામારીમાં નાણાની તંગી ઓછી કરવા જૂનું સોનું વેંચ્યું પણ ખરું છતાં હજુ પ્રજાની હાલત અત્યંત ખરાબ છે. ગમેત્યારે કોરોના ફરી ફેલાશે તો સોનું જ વેંચવાપાત્ર રહેશે તેમ લોકો માની રહ્યા છે. ગઇ દિવાળીએ રૂ.૩૮-૩૯ હજારમાં કોઇએ સોનું ખરીદ્યુ હશે તે આ વખતે ખરીદવા જાય તો રૂ.૫૨-૫૩ હજાર ચૂકવવાના આવશે. જે પચે તેમ નથી.

વિપુલ ઉત્પાદન અને સરકારી ગોદામોનો પુરવઠો બજારમાં ખૂબ આવવાને લીધે એકમાત્ર ઘઉં એવી ચીજ રહી છે જેના ભાવ વધ્યા નથી. ઘઉં ગયા વર્ષ કરતા એક કિલોએ એક કે બે રુપિયા જેટલા સસ્તાં છે. ચોખા મોંઘા છે કે અમુક જાતોના ભાવ પોસાય તેવા છે. અમુક અંશે ખાંડ પણ હજુ કડવી થઇ નથી.

માર્ચ મહિનાથી કોરોનાએ ભારતભરમાં એવું ગ્રહણ લગાવ્યું છે કે પૈસાદારથી લઇને છેવાડાના માનવી સુધી તમામ લોકો પરેશાન અને ગભરાઇ ચૂકયાં છે. હવે દિવાળી આવી છે ત્યારે લોકો ફરીથી ચિંતામુકત બનીને ફરવા લાગ્યા છે. કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ થઇ રહ્યો છે. એ જોતા દિવાળી જાય પછી કોરોના વકરે તો દેવાળું ફુંકવાનો વખત આવી શકે તેમ છે.

(9:44 am IST)