Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

બેંક ફ્રોડ

ડેરી સબસીડી માટે રાતોરાત બકરીને ભેંસ બનાવી દેવાઇ : પૈસા હડપવાનો ખેલ

રોહતક,તા. ૧૪: બેન્કિંગ કૌભાંડ વિવિધ પ્રકારે થતા હોય છે, એવામાં એક નવો કૌભાંડ સામે આવ્યો છે જેમાં રાતોરાત બકરીઓ ભેંસ બની ગઈ હતી. હરિયાણામાં પશુપાલકો માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા નાણાની ઉચાપત થયા હોવાનો પ્રકાર સામે આવ્યો છે.

વિજિલન્સ અને ઓડિટ રિપોર્ટમાં સબસિડીની ગોલમાલ સામે આવી છે જેમાં રાતોરાત બકરીઓને ભેંસમાં ફેરવી દેવાઈ હતી. સર્વસ હરિયાણા ગ્રામીણ બેન્ક સાથે સંબંધિત આ કેસમાં નાબાર્ડની સબસિડી હડપી લેવામાં આવી છે. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાન આ ભ્રષ્ટાચારનો પ્રકાર સામે આવ્યો છે.

ગ્રામીણ બેન્ક અધિકારી સંગઠન અને ગુરુગ્રામ બેન્ક શ્રમિક સંગઠનના ચીફ કોર્ડિનેટર મુકેશ જોશીએ આ મામલે સીબીઆઈને પત્ર લખીને તપાસની માગ કરી હતી. આ સંબંધિત પુરાવા પણ સોંપવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે જો બેન્કની આશરે ૬૫૦ બ્રાન્ચોની નિષ્પક્ષતાથી તપાસ કરવામાં આવે તો ખેડૂતોના નામે આવેલા અબજો રૂપિયાની રકમનું કૌભાંડ સામે આવશે.

જોશીએ ઉમેર્યું કે, આ બેન્કની બે શાખાઓ રનિયા અને કેહવાલામાં રૂ.૭ કરોડની ૪૫ લોન આપવામાં આવી અને તેમાં ગેરકાયદેસર રીતે આશરે અઢી કરોડની નાબાર્ડની સબસિડી લેવામાં આવી. આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરતા ખબર પડી કે ૪૦૦ બકરીઓ અને ૨૦ બકરાની ખરીદી માટે ૨૦ બોગલ હેલ્થ સર્ટિફિકેટ લગાવ્યું હતું.

જણાવવામાં આવ્યું કે ડેરીની લોન હોય ત્યારે સબસિડીનો લાભ મળી શકશે. તે બાદ બેન્ક અધિકારીઓએ બકરીઓને ભેંસ તરીકે ફેરવવામાં આવી હતી. અધિકારીઓએ તપાસ કરતા જણાયુ કે પશુઓનું હેલ્થ સર્ટિફિકેટ પણ બોગસ છે અને જીવન નગરમાં તો કોઈ પશુ હોસ્પિટલ જ નથી, જયાંના સર્ટિફિકેટ આપ્યા છે.

ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયા બાદ નાબાર્ડે અત્યાર સુધી ગેરકાયદેસર રૂપે લીધેલી સબસિડી પરત લીધી નથી. તેના કારણે નાબાર્ડ મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મામલે નાબાર્ડે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

(9:48 am IST)