Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દેશભરમાં દિપાવલીની ઉજવણીનો થનગનાટ

લોકો કોરોનાકાળને ભૂલી પ્રકાશનું પર્વ રંગેચંગે મનાવવા સજ્જઃ સર્વત્ર આનંદ અને ઉલ્લાસનો માહોલઃ આજે રાત્રે દિવસ ઉગશેઃ આકાશ રંગબેરંગી ફટાકડાઓથી રંગાશેઃ વેપારીઓ ચોપડા પૂજન કરશેઃ કાલે ધોકોઃ સોમવારે બેસતુ વર્ષઃ લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશેઃ આજથી મીની વેકેશનનો પણ પ્રારંભઃ લાભ પાંચમથી કામધંધાની ગાડી પાટે ચડશે

રાજકોટ, તા. ૧૪ :. વિશ્વભરમાં કોરોનાએ મચાવેલા કહેરને કોરાણે મુકી આજે સૌ કોઈ પ્રકાશના પર્વ દિપાવલીની ઉજવણીમાં વ્યસ્ત બન્યા છે. દુઃખ-દર્દ-ચિંતાઓ ભૂલી લોકોમાં આ મહાપર્વની ઉજવણીનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ આ પર્વને મનાવવા સજ્જ બન્યા છે. સર્વત્ર આનંદ અને ઉલ્લાસનો માહોલ છવાયો છે.

ગઈકાલથી શરૂ થયેલા દિપાવલી પર્વમાં આજના દિવસનું અનેરૂ મહત્વ છે. આજે સૌ કોઈ પોતપોતાની રીતે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. વેપારીઓ આજે સમૃદ્ધિની કામના સાથે ચોપડા પૂજન કરી રહ્યા છે, લક્ષ્મીજી તથા ગણેશજીનું પૂજન કરવામાં આવી રહ્યુ છે તો લોકો ફટાકડા ફોડી આનંદ મેળવી રહ્યા છે. ઘેર ઘેર રોશની અને રંગોળીનો સંગમ પણ જોવા મળી રહ્યો છે. લોકો પોતાની ચિંતાઓ અને દુઃખને બાજુએ મુકી આ પર્વ મનાવી રહ્યા છે.

આજે રાત્રે દેશભરમાં ફટાકડાની રમઝટ બોલશે. જાણે રાત્રે જાણે દિવસ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાશે. રાતભર ફટાકડા ફુટશે. બાળકોમાં ફટાકડા ફોડવાને લઈને જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તો આવતીકાલે ધોકો છે અને પરમ દિવસે બેસતુ વર્ષ મનાવવામાં આવશે. સોમવારે કોરોનાના ખતરાને ધ્યાને રાખી સૌ પોતપોતાની રીતે આ પર્વ મનાવશે. ટેકનોલોજીના જમાનામા મોબાઈલ અને વિડીયો કોલીંગથી પણ એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવશે. સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ આવતીકાલે પણ નવુ વર્ષ મનાવવામાં આવશે તેવુ જાણવા મળે છે. સોમવારે બેસતુ વર્ષ અને ભાઈબીજ બન્ને પ્રસંગ ભેગા હોય ઉજવણીનો ડબલ ડોઝ જોવા મળશે. જો કે આ વખતે થોડો ટ્રેન્ડ બદલાશે અને લોકો એકબીજાના ઘરે જવાનુ ઓછુ પસંદ કરશે તેવુ જણાય છે.

આજથી મીની વેકેશનનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. આજે વેપારીઓ ચોપડા પૂજન કરી કામધંધા લાભ પાંચમ સુધી બંધ રાખી તહેવારોની ઉજવણી કરશે. સરકારી કર્મચારીઓને આજથી ૩ દિવસનુ મીની વેકેશન મળ્યુ છે. અનેક લોકો આજથી જ આ વેકેશન માણવા નજીકના સ્થળોએ પ્રવાસની મજા માણવા પહોંચી ગયા હોવાનું પણ જણાય છે. સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, દિવ, સાસણગીર સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડયા હોવાનુ પણ જાણવા મળે છે.

(11:22 am IST)