Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દુનિયાભરના લોકો રસીની રાહ જોઇ રહ્યા છે ત્યારે

આવતા મહિના સુધીમાં દેશમાં આવી શકે છે કોરોનાની રસીના ૧૦ કરોડ ડોઝ : પૂનાવાલા

નવી દિલ્હી તા. ૧૪ : દુનિયાભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દુનિયાભરના લોકો રસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે દેશની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીએ ખૂબ સારા સમાચાર આપ્યા છે. બસ આ મહિને તહેવાર પતાવી લો. આવતા મહિનાથી રસીના ૧૦ કરોડ ડોઝ તૈયાર થઈ જવાનો દાવો થઈ રહ્યો છે.

દેશમાં આવતા મહિના સુધીમાં કોરોનાની રસીના ૧૦ કરોડ ડોઝ મળી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ દાવો કર્યો છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની રસી બનાવવામાં ઓકસફોર્ડ યૂનિવર્સિટીની ભાગીદાર છે. આ ડોઝ દવા કંપની એટ્રાજેનની ઓકસફોર્ડ યૂનિવર્સિટીની સાથે મળીને તૈયાર કરી રહી છે.

પૂનેવાલાએ કહ્યું કે રસીની શરુઆતનું ઉત્પાદન ભારત માટે કરવામાં આવશે  અને તેના વિતરણની સુવિધાઓ તેમજ વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે.  આવનારા વર્ષની શરૂઆતમાં રસીને મંજૂરી મળ્યા બાદ અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં તેના ડોઝ મોકલવામાં આવશે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ વેકસીનના ૧૦૦ કરોડ ડોઝ બનાવશે. જેમાં ૫૦ કરોડ ભારત માટે અને ૫૦ કરોડ અન્ય દક્ષિણ એશિયાઈ દેશો માટે હશે . સીરમ ઈન્સ્ટિટ્યૂટ અત્યાર સુધીમાં રસીના ૪ કરોડ ડોઝ તૈયાર કરી ચૂકી છે.

(11:24 am IST)