Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સરહદે ઉજવણીની મોદીએ પરંપરા જાળવી

સૈનિકો સાથે દિવાળી મનાવવા મોદી પહોંચ્યા જેસલમેરઃ જવાનોને સંબોધન

નવી દિલ્હી, તા.૧૪: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દર વર્ષે સૈનિકો સાથે પોતાની દિવાળીની ઉજવણી કરે છે. આજ અંતર્ગત આ વખતે દિવાળી પર પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જેસલમેરમાં સેનાના જવાનો સાથે દિવાળીના આ પાવન અવસરની ઉજવણી કરવા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી સવારે ૮:૩૦ વાગે જેસલમેર પહોંચ્યા હતા.અને આ પ્રસંગે તેમની સાથે ચીફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, થલ સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે પણ હાજર રહ્યા હતા.

જાણકારી મુજબ વડાપ્રધાન વાયુસેના સ્ટેશન પર સવારે એક સ્કૂલ પરિસરમાં સેનાના અધિકારીઓ સાથે દિવાળીનો પર્વ મનાવ્યો હતો.અને તેમણે સૈનિકોને સંબોધિત કરીને તેમનું મનોબળ વધાર્યું હતું.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દર વર્ષે આજ રીતે જવાનોની સાથે પોતાની દિવાળીની ઉજવણી કરે છે. અને આ વખતે તે રાજસ્થાનમાં જેસલમેરના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. જોકે વડાપ્રધાનના આ કાર્યક્રમને જોતા વાયુસેના અને સીમા સુરક્ષાબળ આ વિસ્તારની બોર્ડર પર હાઇ એલર્ટમાં છે. અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સમગ્ર વિસ્તારમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દિવાળીની પૂર્વ સંધ્યાએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શુક્રવારે દેશવાસીઓને અપીલ કરી હતી કે તે આ તહેવાર પર સૈનિકોના સન્માન માટે એક દીવો પ્રગટાવે. તેમણે કહ્યું કે આમ કરીને આપણે તેમને કૃતજ્ઞતા અર્પિત કરવી જોઇએ જે આપણી અને દેશની સેવા માટે હાલ તેમના પરિવારથી દૂર છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૪થી પોતાનો કાર્યભાર સંભાળ્યા પછી વડાપ્રધાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ જેવા રાજયો સમેત જમ્મુ કાશ્મીર જેવા કેન્દ્ર શાસિત પ્રદેશના દુર્ગમ જગ્યાઓ પર દેશની સુરક્ષા કરી રહેલા સૈનિકો સાથે દિવાળીમાં સમય પસાર કરે છે. અને તેમને મીઠાઇ આપી તેમની સાથે દિવાળીની ઉજવણી કરે છે.

(11:26 am IST)