Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વડાપ્રધાને ચીન-પાક.ને આપ્યો કડક સંદેશ

વિસ્તારવાદી વિચારધારા માનસીક બિમારીઃ અંજામ ભોગવવો પડશે

વડાપ્રધાન જેસલમેર સરહદે સૈનિકો વચ્ચે પહોંચ્યાઃ સૈનિકોને સંબોધનઃ જુસ્સો વધાર્યો

નવી દિલ્હી, તા. ૧૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે દિવાળી પર રાજસ્થાનના લોંગેવાલામાં સૈનિકો વચ્ચે છે. તેમણે ભારતીય સેનાના બહાદુર જવાનોને દિવાળીની શુભકામના આપતા કહ્યું કે, તમે ભલે બરફના પહાડો પર અથવા તો રણમાં હોય, મારી દિવાળી તો તમારી વચ્ચે આવીને જ  પૂરી થાય છે. તમારા ચહેરા પરની રોનક જોઉં છું, તમારા ચહેરા પરની ખુશીઓ જોઉં છું. તો મને પણ બેગણી ખુશી થાય છે.  તેમણે ઈશારામાં ચીન પર પ્રહાર કરતા કહ્યું કે,  વિસ્તારવાદ, એક રીતની માનસિક વિકૃતિ છે અને તે ૧૮મી સદીની વિચારધારા છે.

  • વિસ્તારવાદી તાકાતોના બહાને ચીન પર હુમલો

વડાપ્રધાને ચીનનું નામ તો ન લીધું પરંતુ તેની વિસ્તારવાદી વિચારસરણી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ વિસ્તારવાદી તાકાતથી પરેશાન છે. વિસ્તારવાદ, એક રીતે તો માનસિક વિકૃતિ છે અને ૧૮મી સદીની વિચારસરણી છે. આ વિચારધારા વિરુદ્ઘ ભારત પણ પ્રખર અવાજ બની રહ્યું છે.  તેમણે કહ્યું કે, આજે દુનિયા એ જાણી રહી છે, સમજી રહી છે કે દેશ પોતાના હિતો સાથે કોઈપણ કિંમત પર રત્ત્।ીભર સમજૂતી કરવાનું નથી. ભારતનો આ દબદબો, આ કદ, તમારી શકિત અને પરાક્રમના કારણે જ છે. તમે દેશને સુરક્ષિત કરીને રાખ્યુ છે. આ કારણે જ આજે ભારત વૈશ્વિક મંચ પર પ્રખરતાથી પોતાની વાત રજૂ કરી શકે છે.

  •  હું દરેક દેશવાસી માટે શુભકામનાઓ લાવ્યો છું

વડાપ્રધાને પોતાના સંબોધનની શરુઆતમાં જ કહ્યું કે, હું તમારી વચ્ચે દરેક ભારતવાસીની શુભકામનાઓ લઈને આવ્યો છું. તમારા માટે પ્રેમ લઈને આવ્યો છું. આશીષ લઈને આવ્યો છું. હું આજે તે વીર માતાઓ-બહેનો અને બાળકોને પણ દિપાવલીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેમના ત્યાગને નમન કરતા આજે ભારતના ૧૩૦ દેશવાસી તમારી સાથે મજબૂતીથી ઉભા રહ્યાં છે. આજે દરેક ભારતવાસી પોતાના સૈનિકોની તાકાત અને શૌર્ય પર ગર્વ કરી રહ્યાં છે. તેમને તમારી અજેયતા પર, તમારી અપરાજેયતા પર ગર્વ છે.

  •  આક્રાંતાઓનો મુકાબલો કરનાર રાષ્ટ્ર તરફ આગળ વધો

વડાપ્રધાને આગળ કહ્યું કે, દુનિયાનો ઈતિહાસ આપણને એ જણાવે છે કે તે રાષ્ટ્ર સુરક્ષિત છે, જે રાષ્ટ્ર આગળ વધ્યા છે. જેમની અંદર આક્રાંતાનો મુકાબલો કરવાની ક્ષમતા છે. ભલે આંતરરાષ્ટ્રીય સહયોગ ગમે તેટલો આગળ વધીને આવી ગયો હોય, સમીકરણ બદલી ગયા હોય પરંતુ અમે એ ન ભૂલી શકીએ કે સતર્કતા જ સુરક્ષાનો રસ્તો છે. સજાગતા જ સુખ-ચેનનું સમીકરણ છે. સામર્થ્ય જ વિજયનો વિશ્વાસ છે. સક્ષમતાથી જ શાંતિનો પુરસ્કાર છે.

  • ડિફેન્સમાં  લોકલ ફોર વોકલની અપીલ

પીએમ મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં લેવામાં આવેલા તાજેતરના નિર્ણયો વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ આપણી સેનાએ નિર્ણય લીધો છે કે તે ૧૦૦થી વધારે હથિયારો અને સામાનને વિદેશથી નહીં મગાવે. હું સેનાને આ નિર્ણય માટે પણ શુભેચ્છા પાઠવું છું. સેનાના આ નિર્ણયથી દેશવાસીઓને પણ લોકલ ફોર વોકલ માટેની પ્રેરણા મળી છે.  તેમણે સૈનિકોની મુલાકાત કરતા કહ્યું કે, હું આજે દેશના સૈનિકોને દેશની સેનાઓના નિર્માણ માટે આહવાન કરું છું. તાજેતરના દિવસોમાં અનેક સ્ટાર્ટઅપ્સ સેનાઓની જરુરિયાતને પૂરી કરવા માટે આગળ આવ્યા છે. ડિફેન્સ સેકટરમાં સૈનિકોના નવા સ્ટાર્ટ અપ્સ દેશને આત્મનિર્ભરતા મામલે ઝડપથી આગળ લાવશે.

(2:35 pm IST)