Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

શહેરમાં કોરોનાનો સીંદરી બોમ્બ ફુટયો

નવા ૨૬ કેસઃ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો : ૫૦ કાર્યરત

કુલ કેસનો આંક ૯૪૪૭ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૮૭૨૮ દર્દીઓએ જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૨.૬૪ ટકા થયો

રાજકોટ તા.૧૪: શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ૮૬ કેસ નોંધાયા હતા. જયારે આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૨૬ પોઝીટીવ કેસ આવ્યા છે.  શહેરમાંઆજે નવા ૬ માઇક્રોઝોન જાહેર થતા હાલ ૫૦ ઝોન કાર્યરત છે. જયારે એપ્રિલથી આજ દિન સુધીમાં કુલ નવ હજારથી વધુ દર્દીઓ કોરોનાની ઝપટે ચડયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૯૪૪૭  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૮૭૨૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૨.૬૪ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૧૧૫  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૭૯ ટકા થયો  હતો. જયારે ૬૧  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત  મહિનામાં એટલે કે એપ્રિલ થી આજ દિન સુધીમાં ૩,૮૬,૭૨૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૪૪૭  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૩  ટકા થયો છે.

  • નવા ૬ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે વિદ્યાકુંજ સોસાયટી- અમીન માર્ગ, શારદાનગર- યુનિવર્સિટી રોડ, નેમીનાથ સોસાયટી-રૈયા રોડ, પેન્ટાગોન ટાવર-અંબિકા ટાઉન શીપ, સવજીભાઇ શેરી- સોની બજાર, ઓમ શકિત પાર્ક- મોરબી રોડ સહિતના નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૫૦ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

  • ૨૪ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૯ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૨૪,૮૭૦  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૯  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જયારે શહેરનાં વિવિધં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૦૬૩  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:39 pm IST)