Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

૧લી જૂન ૨૦૨૧થી ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત

જ્વેલર્સ ગ્રાહકોને છેતરી નહિ શકે : જો છેતરશે તો કાર્યવાહી

નવી દિલ્હી તા. ૧૪ : કેન્દ્રની મોદી સરકાર ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોને આવનારા વર્ષે આખા દેશમાં અમલમાં મુકવા જઈ રહી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કેન્દ્ર સરકારે સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું હતુ. હવે આખા દેશમાં ૧ જૂન ૨૦૨૧થી ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત થઈ જશે. જયારે જવેલર્સ સમાન્ય ગ્રાહકોને છેતરી નહીં શકે. કેમ કે આની સાથે દેશમાં ન્યૂ કસ્ટમર પ્રોટેકશન એકટ ૨૦૧૯ પણ લાગૂ થઈ ગયો છે. આ નવો નિયમ સોનાના ઘરેણા પર લાગુ થશે. આ નિયમ લાગૂ થતાં છેતરપિંડી કરનાર જવેલર્સ પર કાર્યવાહી થશે.

ઉલ્લેખનીય છે કે હવે જો જવેલર્સ તમને ૨૨ કેરેટ સોનાનું બતાવીને ૧૮ કરેટ સોનું વેચે છે તો તેને દંડ અને જેલ થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં નોટિફિકેશન જારી કરી કહ્યું હતું કે ગોલ્ડ જવેલરી પર અનિવાર્ય હોલમાર્કિંગ ૧૫ જાન્યુઆરી ૨૦૨૧થી લાગુ થશે. પરંતુ વર્ષ જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકાર આને લાગૂ કરવાની તારીખ ૧ જૂન ૨૦૨૧ કરી દીધી છે.

જવેલર્સ અસોસિએશન સતત દલીલ કરી રહ્યા છે કે આટલા ઓછા સમયમાં તેને અમલમાં મૂકવું મુશ્કેલ છે. આ પ્રક્રિયા હેઠળ જવેલર્સને બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS હેઠળ પોતાને રજિસ્ટર કરાવવું પડશે. હોલમાર્ક એક રીતની ગેરન્ટી છે કે જો તમે ભવિષ્યમાં તેને વેચવા જાવ છોતો તેના ભાવ ઓછા નહીં મળે જે સાચા સોનાના ભાવ હશે તે મળશે. જો કે જવેલર્સને એટલા માટે સમસ્યા છે કે તેમની પાસે રહેલો જૂનો સ્ટોક તેઓ એક વર્ષમાં કલીયર કરી શકે જેથી સરકારે તેમને ૧ વર્ષનો સમય આપ્યો હતો. આથી દેશમાં હોલમાર્કિંગ કેન્દ્રોને પણ વધારી શકવાનો સમય મળે.

(2:44 pm IST)