Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અયોધ્‍યાએ 6,06,569 દિવડા પ્રગટાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડસમાં પોતાનું નામ નોંધાવી દીધુઃ ભગવાન શ્રી રામ 14 વર્ષ પછી વનવાસ પૂર્ણ કરીને પરત ફર્યા હોય તેવુ દ્રશ્‍ય ઉભુ કરવા પ્રયાસ

લખનઉ: ભવ્ય દિપોત્સવમાં શુક્રવારે 6,06,569 દીવા પ્રગટાવી અયોધ્યાએ “ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ”માં પોતાનું નામ નોંધાવી દીધુ છે.

આ અંગે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવેલ એક નિવેદન મુજબ, “ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ”ના પ્રતિનિધિઓએ અયોધ્યામાં દિપોત્સવ જોયો. આ દરમિયાન 6,06,569 માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રકારે અયોધ્યાએ આવું ભવ્ય આયોજન કરીને પોતાનું નામ વિશ્વ રેકોર્ડ્સની બુકમાં નોંધાવી દીધુ છે.

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નવો રેકોર્ડ સર્જવા બદલ રામ ભક્તો અને અયોધ્યાવાસીઓને શુભકામના પાઠવી અને કહ્યું કે, આગામી વર્ષે આ રેકોર્ડ પણ તોડવામાં આવશે.

CM યોગીએ જણાવ્યું કે, આનાથી સ્પષ્ટ થાય છે કે, કેવી રીતે પ્રદૂષણ મુક્ત દિવાળી મનાવી શકાય છે. આ માટે અયોધ્યાવાસીઓને શુભેચ્છા પાઠવવી જોઈએ. સામુહિક જવાબદારી કોઈ પણ તહેવારને વધારે ખુશીઓથી ભરી દે છે અને સમગ્ર વિશ્વનું ધ્યાન તેની તરફ આકર્ષિત થાય છે.

અયોધ્યામાં સરયૂ તટ પર શુક્રવારે ભવ્ય દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓએ સરયૂ નદીની આરતી ઉતારી હતી. કોવિડ પ્રોટોકોલના કારણે નવા ઘાટ પર વિવિધ આરતી સ્થળ બનાવવામાં આવ્યા હતા.

પૌરાણિક માન્યતા મુજબ, જેમ ભગવાન રામ 14 વર્ષોનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત આવ્યા હતા અને જે ઉમળકાથી અયોધ્યાવાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતુ, એવું જ દ્રશ્ય આજે ઉભુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

(4:35 pm IST)