Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રામ સેતુ કયારે અને કેવી રીતે બન્યો ? હવે સમગ્ર દુનિયા જાણશે

રામ સેતુની ઉંમર નક્કી કરવા માટે એક અન્ડરવોટર રિસર્ચ પ્રોજેકટ આ વર્ષે શરૂ થશે

નવી દિલ્હી,તા. ૧૫: રામ સેતુની ઉંમર નક્કી કરવા માટે એક અંડરવોટર રિસર્ચ પ્રોજેકટ આ વર્ષે શરૂ થશે. પથ્થરોની આ શ્રેણી કેવી રીતે બની? તેના પર CSIR-નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી (NIO) વૈજ્ઞાનિકો રિસર્ચ કરશે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) હેઠળ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ દ્વારા NIOના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ અત્યાધુનિક ટેકનિક તેમને પુલની ઉંમર અને રામાયણ કાળની તપાસ કરવામાં મદદ કરશે.

NIO આ રિસર્ચ માટે સિંધુ સંકલ્પ અથવા સિંધુ સાધના નામના જહાજોનો ઉપયોગ કરશે. તેઓ પાણીની સપાટીથી ૩૫-૪૦ મીટર નીચેના સેમ્પલ લઈ શકે છે. આ પુલમાં આજુબાજુ કોઈ માનવ વસાહત હતી કે નહીં તે પણ અધ્યયનમાં જાણવા મળશે. સંશોધન રેડિયોમેટ્રિક અને થર્મોમોલિમિનેસન્સ (TL) ડેટિંગ જેવી ટેકનિકનો ઉપયોગ કરાશે. કોરલ્સમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે જે આ પુલની ઉંમર નક્કી કરશે.

કોરલ અને સિલિકા પથ્થરોનો આ પુલ ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયામાં આવેલો છે. હિન્દુ મહાકાવ્ય 'રામાયણ'માં તેનો ઉલ્લેખ છે. હાલમાં આ પુલ પાણીમાં ડૂબી ગયો છે પરંતુ કેટલીક સદીઓ પહેલા તેનો ઉપયોગ થતો હતો ત્યાં સુધી વૈજ્ઞાનિકોએ આ હકીકત સ્વીકારી લીધી છે. આ પુલ લગભગ ૪૮ કિલોમીટર લાંબો છે. રામ સેતુ મન્નરનો અખાત અને પોક સ્ટ્રેટને એકબીજાથી અલગ કરે છે. કેટલાક સ્થળોએ તેની ઉંડાઈ ફકત ૩ ફુટ હોય છે અને કેટલીકવાર તે ૩૦ ફૂટ સુધીની હોય છે. વૈજ્ઞાનીકોઓએ ૧૫ મી સદીથી આ બંધારણ પર ચાલીને રામેશ્વરમથી મન્નાર આઇલેન્ડ જવાના પુરાવા શોધી કાઢ્યા છે, પરંતુ વાવાઝોડાને કારણે ઊંડાઈ વધી ગઈ.

રામાયણ અનુસાર, ભગવાન રામ જયારે સીતા માતાને લંકાના રાજા રાવણની કેદમાંથી બચાવવા માટે નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં સમુદ્ર આવ્યો હતો. તેમની વાનર સેનાએ આ પુલ બનાવ્યો હતો. રામાયણ અનુસાર, વાંદરાઓએ નાના પથ્થરોની મદદથી આ પુલ બનાવ્યો હતો.

UPA ૧ દરમિયાન સેતુસમુદ્રમ શિપ ચેનલ પ્રોજેકટની જાહેરાત થઈ હતી. તેને લઈને ઘણો વિવાદ થયો હતો કારણ કે પુલના કેટલાક ખડકોને તોડવા પડ્યા હતા જેથી ઉંડાઈ વધે અને વહાણ ત્યાંથી પસાર થઈ શકે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જેણે ૨૦૦૭માં તેના પર કામનો પ્રતિબંધ મૂકયો હતો. હિન્દુ જૂથો ઉપરાંત પર્યાવરણવાદીઓ અને રાજકીય પક્ષો પણ આ પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ પુલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે અરજી કરી છે. આ અરજી હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

૨૦૧૭ માં, અમેરિકન ટીવી ચેનલે દાવો કર્યો હતો કે આ પુલ માણસો દ્વારા બનાવેલો હોઈ શકે છે. ચેનલે વૈજ્ઞાનિક વિશ્લેષણના આધારે તેના અધ્યયનમાં કહ્યું હતું કે પુલના પથ્થરો આસપાસની રેતી કરતા જુના છે. વૈજ્ઞાનિકોએ નાસાની ઉપગ્રહની તસવીરો દ્વારા જણાવ્યું હતું.

(9:56 am IST)
  • ૪ મહાનગરોમાં રાત્રી કર્ફયુ યથાવત રહેશે : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફયુ યથાવત : જામનગરમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સમયે વિજયભાઈની જાહેરાત access_time 12:13 pm IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST

  • એ.કે.શર્મા ઉત્તરપ્રદેશમાં ભાજપના ઉમેદવાર બન્યા : ધારાસભ્ય બની પ્રધાન બનશે? : તાજેતરમાં સીનીયર આઈએએસ ઓફીસર અને ગુજરાત કેડરના શ્રી એ.કે. શર્માએ વીઆરએસ લઈ નિવૃતિ જાહેર કરી હતી. તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલ ઉપલા ગૃહની ચૂંટણીમાં એમએલસી (ધારાસભ્ય) પદ માટે તેમના નામની જાહેરાત થઈ છે. તેઓ યોગી સરકારમાં મહત્વના પદ ઉપર પ્રધાન બની રહ્યાનું નિશ્ચિત મનાય છે. access_time 3:21 pm IST