Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

બ્રિટિશ વૈજ્ઞાનિકે કર્યો દાવો

કોરોનાથી સાજા થયેલા લોકો પણ ફેલાવી શકે છે સંક્રમણ

લંડન,તા. ૧૫: બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓ પણ સંક્રમણને બીજા સુધી ફેલાવી શકે છે. ગુરૂવારે બ્રિટનમાં જાહેર કરાયેલા સત્ત્।ાવાર અભ્યાસનાં પરિણામોમાં કહેવામાં આવ્યું કે પહેલા થઈ ચુકેલ કોવિડ-૧૯નાં સંક્રમણ ઓછામાં ઓછા પાંચ મહિના માટે પ્રતિકાર ક્ષમતા પ્રદાન કરે છે. આ દરમિયાન તે વ્યકિતને બીજીવાર સંક્રમણ થતું નથી, પરંતુ તેની સંપર્કમાં આવેલા બીજા લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઈ)ના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે સંક્રમણ બાદ સ્વાભાવિક રૂપથી વિકસિત થનારી ઇમ્યુનિટી સિસ્ટમ તે લોકોના મુકાબલે ફરીથી સંક્રમણથી ૮૩ ટકા સંરક્ષણ પ્રદાન કરે છે જેને પહેલા બીમારી થઈ નથી. અભ્યાસના પરિણામો અનુસાર પ્રથમવાર સંક્રમિત થયા બાદ ઓછામાં ઓછા પાંચ મહિના સુધી આ પ્રતિકાર ક્ષમતા રહે છે.

પરંતુ નિષ્ણાંતોએ ચેતવણી આપી કે જે લોકોની અંદર પ્રતિકાર ક્ષમતા શકિત વિકસિત થઈ ગઈ છે, તે પણ પોતાના નાક કે ગળામાં વાયરસના વાહક હોઈ શકે છે અને તેનાથી બીજામાં સંક્રમણનું જોખમ બન્યું રહે છે. પીએચઈમાં વરિષ્ઠ ચિકિત્સા સલાહકાર પ્રોફેસર સુસૈન હોસપિન્સે કહ્યુ કે, આ અભ્યાસથી અમને કોવિડ-૧૯ વિરુદ્ઘ એન્ટીબોડી સંરક્ષણની પ્રકૃતિની અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ તસવીર મળી છે પરંતુ આ સ્તર પર તે મહત્વપૂર્ણ છે કે લોકો આ શરૂઆતી તારણોનો ખોટો અર્થ ન કાઢે.

સુસૈન હોસપિન્સે કહ્યુ કે, અમે હવે જાણીએ છીએ કે જે લોકોને સંક્રમણ થયું હતું અને જેનામાં એન્ટીબોડી બની ગયા છે, તેમાં મોટાભાગના પુનઃ સંક્રમણથી સુરક્ષિત હોય છે, પરંતુ હજુ સુધી તે ખ્યાલ નથી કે આ સંરક્ષણ કેટલા લાંબા સમય સુધી પ્રાપ્ત થાય છે. અમને લાગે છે કે લોકો સંક્રમણથી સાજા થયા બાદ પણ વાયરસને ફેલાવી શકે છે.

(9:49 am IST)