Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

આંતરધર્મીય લગ્ન કરનારા યુગલોએ ૩૦ દિવસની નોટિસ આપવી વૈકલ્પિક

સ્પેશ્યલ મેરેજ એકટમાં અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ફેંસલો : અલગ ધર્મમાં લગ્ન કરવા જઇ રહેતા યુગલોને રાહત : ૩૦ દિવસનો નોટિસ પીરિયડ આપવો કપલના ગોપનીયતા અને સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર તરાપ સમાન છે

લખનૌ,તા. ૧૫: આંતરધર્મીય લગ્ન કરવા ઈચ્છતા યુગલોને રાહતરૂપ ચુકાદો અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે જણાવ્યું કે, સ્પેશિયલ મેરેજ એકટ, ૧૯૫૪ હેઠળ લગ્ન કરનારા આંતરધર્મીય યુગલો માટે લગ્નની નોંધણી કરાવવા મેરેજ ઓફિસરને ૩૦ દિવસ અગાઉ નોટિસ આપવાનું ફરજિયાત નહીં વૈકલ્પિક હોવું જોઈએ. નોટિસ પીરિયડ આપવો તે કપલના ગોપનીયતા અને સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર તરાપ માનવા સમાન છે.

હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીએ લગ્ન કર્યા છે. યુવતીએ લગ્ન પહેલા ધર્મ પરિવર્તન કર્યું હતું. હિન્દુ યુવકે કરેલી હેબિયસ કોર્પસનો નિકાલ કરતાં જસ્ટિસ વિવેક ચૌધરીએ કહ્યું, 'જો દંપતી ૩૦ દિવસની નોટિસ જાહેરમાં મૂકવા ના માગતા હોય તો પણ મેરેજ ઓફિસરે તેમના લગ્ન કરાવવા પડશે.' અરજીકર્તા અભિષેક કુમાર પાંડેએ આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની સુફિયા સુલતાનાને તેના પિતાએ બંધક બનાવીને રાખી હતી કારણકે તેણે ધર્મ પરિવર્તન કરીને હિંદુ રિવાજો મુજબ લગ્ન કર્યા હતા.

જસ્ટિસ ચૌધરીએ પોતાનો ચુકાદો ત્રણ મહત્વના અવલોકનોને આધારે આપ્યો છે. પ્રથમ- સમય અને સમાજમાં આવતા પરિવર્તન સાથે કાયદાનો પણ વિકાસ થવો જોઈએ. બીજું- કોઈપણ વ્યકિતની ગોપનીયતાનો ભંગ ના થવો જોઈએ. આ તેનો મૂળભૂત અધિકાર છે અને સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદાઓમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. અને છેલ્લું- વિવિધ પર્સનલ લો હેઠળ ૩૦ દિવસના નોટિસ પીરિયડની કોઈ જોગવાઈ નથી ત્યારે સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ શા માટે તેને ફરજિયાત ગણવામાં આવે છે?

કોર્ટે સ્પષ્ટતા કરી કે, કપલની ઓળખ, ઉંમર અને યોગ્ય સંમતિ તેમજ સુસંગત કાયદા હોઠળ તેમની લગ્ન કરવાની લાયકાત છે કે કેમ તેની ચકાસણી કરવાની જવાબદારી મેરેજ ઓફિસરની છે. 'જો મેરેજ ઓફિસરને કોઈપણ શંકા હોય તો તે ચોક્કસ માહિતી અથવા તો પુરાવા માગી શકે છે', તેમ કોર્ટે કહ્યું.

અગાઉના નિર્દેશ મુજબ, સુફિયા ઉર્ફે સિમરનના પિતાએ દીકરીને કોર્ટમાં રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સુફિયા અને અભિષેકે કોર્ટને કહ્યું કે, તેઓ પુખ્ત વયના છે અને તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યા કારણકે તેઓ એકબીજા સાથે જીવવા માગતા હતા. જે બાદ સિમરનના પિતાએ તેમને અંગત સંમતિ આપી હતી.

આ કેસનો અંત બંને પક્ષોની મૈત્રીપૂર્ણ સમજૂતીથી આવ્યો. ત્યારે કોર્ટે ધ્યાનમાં લીધું કે, સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ આંતરધર્મીય લગ્ન કરનારા યુગલો માટે તેમના લગ્નને કાયદાની દ્રષ્ટિએ મંજૂરી અપાવવા ૩૦ દિવસની નોટિસ આપવી ફરજિયાત છે. અભિષેક અને તેની પત્નીએ કોર્ટને વિનંતી કરી કે, આ પ્રકારની કોઈપણ નોટિસ ગોપનીયતામાં અડચણરૂપ છે અને લગ્ન કરવાના તેમના નિર્ણયમાં ખલેલરૂપ તેમજ નકામા સામાજિક દબાણનું કારણ બને છે. અભિષેક અને સુફિયાએ ધ્યાન દોર્યું કે, આંતરધર્મીય લગ્ન કરનારા ઘણાં દંપતીઓ આ પડકારનો સામનો કરી ચૂકયા છે.

અરજીકર્તાના વકીલે દલીલ કરી કે બળજબરીપૂર્વક થતા ધર્મ પરિવર્તનને રોકવા માટે ૨૦૨૦માં જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તેના કારણે યુપીમાં રહેતા દંપતીઓ માટે મુશ્કેલીઓ ઓર વધી છે. મહત્વનું છે કે, હવે લગ્ન દ્વારા બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવું ગેરકાયદે અને દંડનીય છે. તેમણે દલીલ કરી કે, સમાજમાં પરિવર્તનની લહેર આવે, સ્પેશિયલ મેરેજ એકટમાં સુધારો થાય તે માટે ૩૦ દિવસના નોટિસ પીરિયડની જોગવાઈ પર ફરી વિચાર કરવો જોઈએ અને સમજવું જોઈએ કે, તેને ફરજિયાત ગણવું કે ડાયરેકટરી હોવું જોઈએ.

લો કમિશન ઓફ ઈન્ડિયાની ૨૦૦૮ના વિવિધ ભલામણો અને સુપ્રીમ કોર્ટના વિવિધ આદેશો ટાંકીને કોર્ટે કહ્યું, 'નોટિસ આપવાની પ્રક્રિયા અને ૧૯૫૪ના એકટ હેઠળ થતાં લગ્નમાં આવતી અડચણો અંગેના નિર્ણય એ મુજબ લેવા જોઈએ જેથી મૂળભૂત અધિકારો જળવાઈ રહે અને તેનો ભંગ ના થાય. સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ ૩૦ દિવસની નોટિસ જાહેરમાં પ્રકાશિત કરવાની જોગવાઈ દ્વારા કોઈ યોગ્ય હેતુ સિદ્ઘ નહીં થાય.

(9:54 am IST)
  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST

  • ૨૨થી વધુ વ્હીલવાળો મહાકાય ટ્રક પુલ નીચે ખાબકયો : રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપરના બગોદરા નજીક આવેલ પુલ ઉપરથી આજે બપોરે એક મહાકાય ટ્રકના ચાલકે અચાનક બેલેન્સ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબકયો હતો : સદ્દનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી : હાઈવે ઉપરના વાહન ચાલકોએ તુરંત જ પોતાની ગાડીઓ થંભાવી અને ટ્રક ચાલક પાસે પહોંચી ગયા હતા પરંતુ ટ્રકચાલકને પણ કોઈ મોટી ઈજા થઈ ન હતી, દરમિયાન આસપાસના લોકોએ માર્ગ ઉપર સેફટીના સાધનો મૂકી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ્યો હતો. access_time 4:25 pm IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST