Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

હવે પોસ્ટ ઓફિસ વેચશે બાબા રામદેવની પતંજલિની પ્રોડકટ્સ

તમે માસ્ક, ખાદી અને હર્બલ સામાન પણ મેળવી શકશો

નવી દિલ્હી,તા. ૧૫: પોસ્ટ વિભાગની પોસ્ટ ઓફિસો માત્ર સ્પીડ પોસ્ટ અથવા બેંકિંગ સુધી સિમીત નથી રહી. તેનો એક મોલમા રૂપમાં પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. હવે પોસ્ટ ઓફિસમાંથી તમે પતંજલિની વિવિધ પ્રોડકટ્સની ખરીદી કરી શકશો. તેમાં તમે માસ્ક, ખાદી અને હર્બલ સામાન પણ મેળવી શકશો. પોસ્ટ માસ્ટર જનરલ અનિલ કુમારે કહ્યું હતું કે, પોસ્ટ વિભાગ ટૂંક સમયમાં આ નવી સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે. મુંગેરમાં પોસ્ટ માસ્ટર જનરલ અનુલ કુમારે કહ્યું હતું કે, પોસ્ટ ઓફિસોમાં ટૂંક સમયમાં કોમન સર્વિસ સેન્ટર(CSC)ની સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. હાલની આ સેવા ૨૫૬ જેટલી પોસ્ટ ઓફિસોમાં શરૂ કરી દેવામાં આવી છે, જયાં લોકો પોતાના બેંકોની લણદેણ સાથે રેલવેની ટિકિટ પણ બૂક કરાવી શકે છે.

સાથે જ, આવાસીય, જાતિ અને આયુ પ્રમાણ પત્ર માટે પણ આવેદન કરી શકો છો. પરંતુ પ્રમાણ પત્રો માટે આવેદકે સંબંધિત વિભાગમાં જઈને જ મેળવવું પડશે. તેવામાં પોસ્ટ વિભાગ દ્વારા બધી પોસ્ટ ઓફિસોમાં માસ્ક, ખાદી અને હર્બલ સામાન પણ વેચવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ દરમિયાન પતંજલિ સાથે પોસ્ટ વિભાગ દ્વારા કરાર કરવામાં આવ્યો છે. પતંજલિનો સામાન પણ લોકોને પોસ્ટ ઓફિસમાંથી મળશે. પોસ્ટ વિભાગ દ્વારા લોકડાઉન દરમિયાન જે અદ્દભુત કામગીરી કરવામાં આવી છે તે કાબિલે તારીફ છે. તેના માટે વડાપ્રધાન નેરન્દ્ર મોદી દ્વારા પણ દેશના પોસ્ટ વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

પોસ્ટ વિભાગ દ્વારા કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ હેઠળ બીજી બેંકોમાંથી આશરે ૪૩૦ કરોડ રૂપિયા લોકોના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. પોસ્ટ માસ્ટર જનરલ દ્વારા પોસ્ટ વિભાગના કુલ ૪૦ જેટલા કર્મીઓને કોરોના કાળ દરમિયાન શ્રેષ્ઠ કામ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં સુકન્યા ખાતું ખોલાવવા માટે સત્યનારાયણ યાદવને પહેલો, રિવરાજને બીજો અને સ્મૃતિ વિઘા દેવીને ત્રીજો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જયારે પોસ્ટ વિભાગની અન્ય યોજનાઓમાં શ્રેષ્ઠ કાર્ય કરનારા ઘણા લોકોની સાથે કોરોના કાળ દરમિયાન લોકોના ઘરો સુધી પૈસા પહોંચાડવાવાળા ઘણા પોસ્ટમેનને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આપણા દેશમાં પોસ્ટ વિભાગ દ્વારા થોડા થોડા સમયે નવી સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે અને લોકો તેનો સારી રીતે ઉપયોગ પણ કરી રહેલા જોવા મળે છે.

(9:54 am IST)