Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ટ્રમ્પ સામેની મહાભિયોગની દરખાસ્ત પ્રતિનિધિસભામાં પસાર

ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં ૭૪ વર્ષીય ટ્રમ્પ સામેની મહાભિયોગની દરખાસ્ત ૨૩૨ વિરુદ્ઘ ૧૯૭ મતથી પસાર થઇ હતી

વોશિંગ્ટન, તા.૧૫: અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સામેની મહાભિયોગની દરખાસ્ત પ્રતિનિધિસભામાં પસાર થઇ હતી. તેમની સામે અત્યાર સુધીમાં બે વખત મહાભિયોગની દરખાસ્ત પસાર થઇ છે અને તેઓ આ રીતે કુખ્યાત બનનારા અમેરિકાના પ્રથમ પ્રમુખ બન્યા હતા. ટ્રમ્પ પર યુએસ કેપિટલનો ઘેરો ઘાલીને હિંસા ફેલાવવા માટે પોતાના ટેકેદારોને ઉશ્કેરવાનો આરોપ મુકાયો છે. કોંગ્રેસના દસ રિપબ્લિકન સભ્યે પણ મતદાનમાં ડેમોક્રેટ્સનો સાથ આપ્યો હતો.

ડેમોક્રેટ્સની બહુમતીવાળા ગૃહમાં ૭૪ વર્ષીય ટ્રમ્પ સામેની મહાભિયોગની દરખાસ્ત ૨૩૨ વિરુદ્ઘ ૧૯૭ મતથી પસાર થઇ હતી. એક અઠવાડિયા પહેલાં જ કેપિટલ ખાતે થયેલી હિંસામાં પાંચ જણ માર્યા ગયા હતા. ગૃહમાંના ચારે મૂળ ભારતીય ડેમોક્રેટ્સ સભ્ય

અમી બેરા, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલે ટ્રમ્પ સામેની મહાભિયોગની દરખાસ્તની તરફેણમાં મત આપ્યા હતા.

અગાઉ, ગૃહના સ્પીકરે ઉપપ્રમુખ માઇક પેન્સને પ્રધાનમંડળની બેઠક બોલાવીને ટ્રમ્પને પ્રમુખપદેથી દૂર કરવા મતદાન યોજવાની કરેલી વિનંતિ પેન્સે નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે ટ્રમ્પને સત્તા પર હવે થોડા દિવસ (૨૦ જાન્યુઆરી સુધી) જ બાકી છે અને આવું પગલું દેશના હિતમાં નથી.

અગાઉ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો - એન્ડ્રુ જોન્સનની સામે ૧૯૬૮માં અને બિલ કિલન્ટનની સામે ૧૯૯૮માં મહાભિયોગની દરખાસ્ત પસાર થઇ હતી.

(11:58 am IST)