Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કૌસાનીઃ ધર્મ, અધ્યયન તથા સાહસના ત્રિવેણી સંગમ સાથેનું રમણિય સ્થળ

ઉતરાખંડમાં પ્રકૃતિના ખોળે આવેલ આ પર્યટન સ્થળ બરફથી ઢંકાયેલ હિમાલયની પર્વતમાળા સાથે પણ જોડાયેલ છે : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ અહીં ૧ર દિવસ વિતાવ્યા હતા : ટ્રેકીંગ, રોક કલાઇમ્બીંગ, મંદિરો, અધ્યયન તથા સંશોધન કેન્દ્રનો સુભગ સમન્વય

રાજકોટ તા. ૧૩ :.. ભારત સહિત સમગ્ર વિશ્વના લોકોમાં દિવસે - દિવસે નવા - નવા સ્થળે ફરવા જવાનો ટ્રેન્ડ વધતો જાય છે. પોતાની અનુકુળતા, શોખ, બજેટ, સમય વિગેરેને ધ્યાનમાં રાખીને સહેલાણીઓ ફરવા જવા માટેનો પ્લાન કરતા હોય છે. કોરોના મહામારી સંદર્ભે હવે વેકિસન પણ ઉપલબ્ધ બની જતા લોકો હવે ફરી પાછા ક્રમશઃ નોર્મલ લાઇફ જીવવા લાગ્યા હોવાનું દેખાઇ રહ્યું છે.  આ તમામ પરિબળો વચ્ચે સહેલાણીઓને હોંશભેર જવું ગમે તેવું રમણિય સ્થળ છે કૌસાની.

ઉત્તરાખંડના વાગેશ્વર જીલ્લામાં પ્રકૃતિના ખોળે આવેલ કૌસાની ખરા અર્થમાં ધર્મ, અધ્યયન તથા સાહસના અનેરા ત્રિવેણી સંગમ સાથેનું રમણિય સ્થળ છે. ટ્રાવેલ બ્લોગર સંજય શેફર્ડ કહે છે કે પહાડી રાજય ઉતરાખંડના વાગેશ્વર જીલ્લામાં આવેલ કૌસાની એક નાનું ગામ છે. પરંતુ આ જગ્યાની સુંદરતા સમગ્ર દુનિયાના સહેલાણીઓને આકર્ષ છે. શહેરની સતત ભાગદોડવાળી જીંદગીથી દૂર આ સ્થળે એક સુખદ્ અનુભવ થાય છે. અહીં પ્રકૃતિના ખોળે મહાલવાનો અદ્ભુત આનંદ મળે છે. અહીં સૂર્યોદયને જોવા માટે દેશના ખૂણે - ખૂણેથી લોકો આવે છે.

હિમાલયની લાંબી પર્વતમાળા અને દૂર સુધી ફેલાયેલ કાધ્યુરઘાટીનો ફેલાવો આ જગ્યાને ખૂબ મોટું તથા સુંદર ફલક આપે છે. ત્રિશુલ અને નંદાદેવીની બરફથી ઢંકાયેલ છેડાની પર્વતમાળામાંથી સૂર્યના કિરણો નિકળે છે અને લાલ રંગ સ્ફુરતો હોવાનું દેખાય છે. અહીંનું ઠંડુ વાતાવરણ હરવા-ફરવા માટે પણ અનુકુળ છે.

સાહસિક પ્રવૃતિઓ જેવી કે ટ્રેકીંગ, રોક કલાઇમ્બીંગ (પર્વતારોહણ) પણ અહીં કરી શકાય છે. સુંદર ધુંગા ટ્રેકની સાથે - સાથે આ જગ્યાએ પિન્ડારી ગ્લેશીયર ઉપર પણ ટ્રેકીંગ કરી શકાય છે. મિલમ ગ્લેશીયરનો ટ્રેક પણ અહીં જોવા મળે છે.

ભારતના રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીજીએ પણ ૧૯ર૯ માં  અહીંની સુંદરતાથી મંત્રમુગ્ધ થઇને બાર દિવસ જેટલો સમય વિતાવ્યો હતો. અહીં ગાંધીજીએ 'અનાસકિત યોગ' ની રચના કરી હતી. જે અતિથી ગૃહમાં ગાંધીજી રહ્યા હતાં તેને હાલમાં ગાંધીયન અધ્યયન તથા શોધ કેન્દ્રના રૂપમાં 'અનાસકિત આશ્રમ' ના નામે વિકસિત કરી દેવામાં આવ્યું છે. કૌસાની હિન્દીના જાણીતા કવિ સુમિત્રાનંદન પંતનું જન્મસ્થળ પણ છે. સુમિત્રાનંદન પંત સાથે જોડાયેલ ઘણી બધી વસ્તુઓ માટે અહીં સંગ્રહાલય પણ છે.

ધાર્મિક દૃષ્ટિએ પણ કૌસાની ખૂબ સમૃધ્ધ છે. આજુ-બાજુમાં મંદિરો પણ ઘણા આવેલા છે. પિન્નાથ મંદિર, રૂદ્રહરી મહાદેવ મંદિર, કોટ ભ્રામરી મંદિર તથા બૈજનાથ મંદિરના રૂપમાં આવેલ પ્રાચીન મંદિરો પણ શ્રધ્ધાળુઓને અલૌકિક અનુભૂતિ કરાવે છે. ટૂંકમાં કૌસાની એવું સ્થળ છે કે જે દરેક ઉંમરના પ્રવાસીઓને આકર્ષે છે. (પ-૧૦)

કૌસાની પહોંચવું કઇ રીતે ? રહેવું કયાં?

ઉત્તરાખંડના વાગેશ્વર જીલ્લામાં આવેલ કૌસાની અલ્મોડા તથા કાઠગોદામની વચ્ચે આવેલ છે. રસ્તામાં દેવદાર તથા ચીડના ઘેઘુંર વૃક્ષો વચ્ચેથી પસાર થવાનું હોય છે.  પોતાના વાહન સિવાય કાઠગોદામ રેલ્વે સ્ટેશન અથવા તો પંતનગર એરપોર્ટ ઉપરથી પણ કૌસાની પહોંચી શકાય છે.

કૌસાની ખાતે તથા આજુ બાજુ રહેવા માટે અલગ-અલગ સ્ટાર કેટેગરીની ઘણી હોટલ્સ આવેલ છે. એક દિવસના ૯૦૦ રૂપિયાથી માંડીને પ૦૦૦ રૂપિયા સુધીના ટેરીફની હોટલ્સ મળી શકે છે. સીઝન પ્રમાણે ટેરીફમાં વધઘટ હોઇ શકે છે. ઉપરાંત ઘણી જગ્યાએ ડીસ્કાઉન્ટ પણ મળતું હોય છે. હોટલ્સ ઉપરાંત ગેસ્ટ હાઉસ પણ આવેલા છે, જેમાં બજેટને અનુરૂપ રહી શકાય છે. ગુગલ ઉપર 'accommo dation facilities in Kausani'  સર્ચ કરવાથી ઘણાં બધાં ઓપ્શન્સ મળી રહે છે. ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે.

(12:00 pm IST)
  • એ.કે.શર્મા ઉત્તરપ્રદેશમાં ભાજપના ઉમેદવાર બન્યા : ધારાસભ્ય બની પ્રધાન બનશે? : તાજેતરમાં સીનીયર આઈએએસ ઓફીસર અને ગુજરાત કેડરના શ્રી એ.કે. શર્માએ વીઆરએસ લઈ નિવૃતિ જાહેર કરી હતી. તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલ ઉપલા ગૃહની ચૂંટણીમાં એમએલસી (ધારાસભ્ય) પદ માટે તેમના નામની જાહેરાત થઈ છે. તેઓ યોગી સરકારમાં મહત્વના પદ ઉપર પ્રધાન બની રહ્યાનું નિશ્ચિત મનાય છે. access_time 3:21 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST