Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

શેરડીને બદલે સ્ટ્રોબેરીની ખેતી : ખેડુતોએ રૂખ બદલ્યો

મેરઠ તા. ૧૫ : 'સુગલ બાઉલ' ઉપનામથી ઓળખાતા પશ્ચિમ ઉતર પ્રદેશમાં ખેડુતો હવે શેરડી છોડીને સ્ટ્રોબેરીની ખેતી તરફ વળવા લાગ્યા છે. આ માટેનું એક કારણ સુગર મીલો તરફથી સમયસર વળતર ચુકવણી કરવામાં ન આવતી હોવાનું મનાય છે.

મેરઠની વાત કરીએ તો ખેડુતો હવે સ્ટ્રોબેરીની ખેતી કરી મોટો નફો રળવા લાગ્યા છે. મતલબ શેરડી અને શાકભાજીની ખેતી સુધી સીમીત નહીં રહેતા ખેડુતો પણ હવે વધુ આવક રળી આપતી સ્ટ્રોબેરીની ખેતી કરી ક્રાંતિના માર્ગે વળી ચુકયા છે. સ્ટ્રોબેરીમાં નફો પણ સારો અને રોકાણ પણ તુરંત છુટુ થતુ હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે.

એક મીડિયા સાથેની મુલાકાતમાં મેરઠના માછરા બ્લોકના અમરપુર નિવાસી ખેડુત સેવારામે જણાવેલ કે તેમણે પ્રાયોગીક ધોરણે એક એકરમાં સ્ટ્રોબેરી વાવીને શરૂઆત કરી હતી. આ માટે તેઓ મહારાષ્ટ્રમાં હીલ સ્ટેશન તરીકે ઓળખાતા મહાબળેશ્વરથી ૧૬ હજાર છોડ સ્ટ્રોબેરીના લાવ્યા હતા. મેરઠમાં તેનો સારો ઉછેર થતા તેઓ ખુશ છે. જો કે સિંચાઇ માટે તેમણે આમા ડીપ ઇરીગેશનનો ઉપયોગ કર્યો હતો. જેથી છોડને પુરતુ અને સમયસર પાણી મળી રહે.

સપ્ટેમ્બર ૨૦૨૦ માં તેમણે વિન્ટર ડાઉન પ્રજાતિની સ્ટ્રોબેરી લગાવી હતી. ફસલ બજારમાં મુકતા બે લાખ જેવી આવક થઇ હતી.

આમ ખેડુતો હવે વધુ ખર્ચાળ શેરડીની ખેતી છોડી વધુ નફો આપતી સ્ટ્રોબેરીની ખેતી તરફ વળવા લાગ્યા છે.

(3:29 pm IST)