Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સરકાર સાથે આગામી બેઠક અંતિમ હોઈ શકે છે : ખેડૂતો

સરકારથી હવે વધારે આશા નથી : કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા એક પેનલ બનાવવામાં આવી છે અને કદાચ ૧૯ જાન્યુઆરીએ પ્રથમ બેઠક યોજશે

નવી દિલ્હી,તા.૧૫ : નવા કૃષિ બિલને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેઓ ૧૫ જાન્યુઆરીએ સરકાર સાથેની નવમાં રાઉન્ડની વાતચીતમાં ભાગ લેશે અને આ સાથે તેમણે સંકેત આપ્યો છે કે કદાચ સરકાર સાથેની તેમની આ અંતિમ બેઠક હશે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે તેમને સરકાર પાસેથી કોઈ આશા રહી નથી કેમ કે તેઓ નવા કૃષિ કાયદા પાછા લેવામાં આવે તેના સિવાય બીજુ કોઈ સમાધાન ઈચ્છતા નથી. કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા એક પેનલ બનાવવામાં આવી છે અને તેઓ કદાચ ૧૯ જાન્યુઆરીએ પ્રથમ બેઠક યોજશે.

જ્યારે શુક્રવારે સરકાર સાથેની ખેડૂતોનું બેઠક અંતિમ બની શકે છે. ભારતીય કિસાન યુનિયનના જોગિન્દર સિંહ ઉગ્રહાને જણાવ્યું હતું કે, અમે આવતીકાલે સરકાર સાથે વાતચીત કરીશું. અમને શુક્રવારની બેઠકમાંથી કોઈ આશા નથી. સરકાર આ મુદ્દાઓને ઉકેલવા માટેની ઈચ્છા ધરાવતી નથી. યુનિયનો કોઈ પણ સમિતિ ઈચ્છતા નથી તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે અમે ફક્ત એટલું ઈચ્છીએ છીએ કે સરકાર ત્રણેય કૃષિ કાયદા પાછા લઈ લે અને અમારા પાક માટે ટેકાના ભાવની કાયદાકિય ખાતરી આપે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન બંધ થશે નહીં. અન્ય એક ખેડૂત નેતા અભિમન્યુ કોહરે જણાવ્યું હતું કે, સરકાર જાણે છે કે કોર્ટ કાયદા પાછા ખેંચી શકવાની નથી અને તેથી સરકારે ખેડૂતોની લાગણીઓ સાથે ચેડા કરવાનું બંધ કરી દેવું જોઈએ. સમિતિની રચના કરવી આ મુદ્દાનું સમાધાન નથી. આ નવા કાયદા પાર્લામેન્ટ દ્વારા પાસ કરવામાં આવ્યા છે અને તેથી કોર્ટ તેમાં કંઈ વધારે મદદ કરી શકે તેમ નથી. નોંધનીય છે કે ૨૮ નવેમ્બરથી ખેડૂતો દિલ્હીની કેટલીક બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

(7:32 pm IST)