Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

તમિલનાડુમાં રવિવારે લોકડાઉનની જાહેરાત થતાં એક જ દિવસમાં રેકોર્ડ ૨૧૦ કરોડ રૂપિયાનો દારૂ વેચાયો

કોરોનાના વકરી રહેલા સંક્રમણને રોકવા માટે રાજય સરકારે વિતેલા દિવસોમાં અહીં નાઇટ કર્ફયુ અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરી હતી : લોકડાઉનના સંકેત મળતાંની સાથે જ અહીં લોકોએ પેનિક શોપિંગ કરવાનું શરૂ કર્યું

ચેન્‍નાઇ,તા. ૧૫: વૈશ્વિક કોરોના મહામારીની બે લહેરનો સામનો કરી ચૂકેલા ભારતીયોને હવે ત્રીજી લહેરનો ડર સતાવી રહ્યો છે. દેશમાં કોરોનાના નવા કેસમાં અચાનક વધારો આવ્‍યો છે જેના પરિણામ સ્‍વરૂપે વિતેલા ૨૪ કલાકમાં આશરે અઢી લાખની આસપાસ નવા કેસ સામે આવ્‍યા છે. આ આંકડો મે ૨૦૨૧ પછીનો સૌથી વધુ આંકડો છે. દેશમાં ઓમિક્રોનના વધી રહેલા ખતરા વચ્‍ચે રાજય સરકારો રાત્રિ કફ્‌ર્યુ અને વીકેન્‍ડ લોકડાઉન જેવા પ્રતિબંધો એકવાર ફરી લાગુ કરી રહ્યા છે. એવામાં સામાન્‍ય નાગરિકો પણ પેનિક શોપિંગનો શિકાર બનતા જોવા મળી રહ્યા છે.
ઘણા રાજયોમાં વીકેન્‍ડ લોકડાઉન અને કોરોનાના કડક પ્રતિબંધો લાગુ કરવાની શરૂઆત થતાં જ લોકો જીવન જરુરિયાતની સામગ્રીનો સ્‍ટોક કરવા લાગ્‍યા છે. જેમાં બિસ્‍કિટ, ખાદ્ય તેલ, પેકેજડ ફૂડ, ડેયરી ફૂડ, ડેયરી પ્રોડક્‍ટ અને માસ્‍ક તથા સેનેટાઇઝર જેવો સામાન સામેલ છે. જોકે કેન્‍દ્ર અને રાજય સરકારો પહેલેથી જ કહેતી આવી છે કે લોકડાઉન કે પ્રતિબંધો દરમિયાન પેનિક શોપિંગ કરવાની કોઇ જરુર નથી, જીવન જરુરી ચીજવસ્‍તુઓને લગતી સેવાઓને ચાલુ રાખવામાં આવશે. આ બધા વચ્‍ચે તમિલનાડુમાં એક દિવસમાં વેચાયેલા દારુના જથ્‍થાનો મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. તમિલનાડુમાં દારુના શોખિન લોકોએ લોકડાઉનના ભણકારા વચ્‍ચે બહુ મોટો સ્‍ટોક કરી લીધો હોવાનું સામે આવ્‍યું છે.
વિતેલા દિવસોમાં તમિલનાડુમાં નાઇટ કર્ફયુ અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જે પછી લોકોએ શનિવારે ઘરવખરીની ચીજો ખરીદવા માટે પડાપડી કરી હતી. એવામાં રાજયમાં એક દિવસમાં ૨૧૦ કરોડ રુપિયાનો દારુ વેચાયાનો રેકોર્ડ બની ગયો છે. રેકોર્ડે વેચાણમાં માત્ર ત્રણ જ જિલ્લા કાંચીપુરમ, ચેંગલપત્તુ અને તિરુવલ્લુવરમાંથી જ ૨૫ ટકાનું વેચાણ થયું છે. આ જિલ્લાઓના લોકોએ એક જ દિવસમાં ૫૨ કરોડ રુપિયાનો દારુ સ્‍ટોક કર્યો છે.
દારુના વેચાણની સાથે અહીં બિસ્‍કિટના વેચાણમાં ૨૦ કા સુધીનો વધારો નોંધાયો છે. સૌથી મોટી કંપની પારલે જીનું માનીએ તો લોકડાઉનના સંકેત મળતાં જે બિસ્‍કિટના વેચાણમાં ઉછાળો આવ્‍યો છે. અહીં ગત અઠવાડિયે બિસ્‍કિટના વેચાણમાં ૨૦ ટકાનો વધારો થયો છે. આ સિવાય ખાદ્ય તેલના કુલ વેચાણમાં અહીં ૧૫ ટકા અને દૂધ તથા એની પ્રોડક્‍ટની ડિમાન્‍ડમાં ૨૦૦ ટકાનો વધારો થયો છે.

 

(10:43 am IST)