Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

નિઃસંતાન ડોક્ટરે પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા 5 કરોડની સંપત્તિનું સરકારને દાન કર્યું

ગાડી અને જમીન પણ આપી દીધી : પોતાનું ઘર આપતા કહ્યું સરકાર મારા ઘરનો કબજો લઈ લે અને તેને વૃદ્ધાશ્રમમાં ફેરવી નાખે જેથી કરીને ઘરમાંથી કાઢી મૂકાયેલા અને નોંધારા માવતરને આશરો મળે : હિમાચલના હમીરપુર જિલ્લામાં ડોક્ટરની દરિયાદિલીની ખૂબ ચર્ચા:ચોમેર તેમના આ કામની પ્રશંસા

નવી દિલ્હી : જીવનસાથીની અંતિમ ઈચ્છા પૂરી કરવા કરોડોની સંપત્તિનું દાન કરવાની એક ઘટના બની છે હિમાચલના હમીરપુર જિલ્લામાં. અહીં નિવૃત ડોક્ટરે પોતાની પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે 5 કરોડ કરતા પણ વધારે સંપત્તિનું સરકારને દાન કરી દીધું છે. ડોક્ટર દંપતિ નિસંતાન હતા અને એક વર્ષ પહેલા પત્નીનું મોત થઈ ચૂક્યું છે. મરતી વખતે પત્નીએ ડોક્ટરને સંપત્તિનું દાન કરી નાખવાનું વચન લીધું હતું અને હવે ડોક્ટરે આ વચન પાળી દેખાડ્યું છે. હમીરપુર જિલ્લામાં ડોક્ટરની દરિયાદિલીની ખૂબ ચર્ચા છે. લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. ચોમેર તેમના આ કામની પ્રશંસા થઈ રહી છે. 

72 વર્ષીય ડોક્ટર રાજેન્દ્ર કંવર આરોગ્ય વિભાગના નિવૃત ડોક્ટર છે. જ્યારે તેમની પત્ની કૃષ્ણા કંવર શિક્ષણ વિભાગમાંથી નિવૃત થયા હતા જેમનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. દંપતિ નિસંતાન હતા. તેથી તેમને નિર્ણય કર્યો હતો કે તેઓ તેમની તમામ સંપત્તિ સરકારને સોંપી દેશે. પત્નીની વિદાય બાદ ડોક્ટર રાજેન્દ્રે પત્નીની ઈચ્છા પૂરી કરીને વચન પાળ્યું છે.

ડોક્ટરે રાજેન્દ્રે જણાવ્યું કે તેમણે એક વસીયત બનાવી છે જેમાં એક શરત મૂકી છે કે તેમના ઘરને વૃદ્ધાશ્રમ બનાવી દેવામાં આવે. સરકાર મારા ઘરનો કબજો લઈ લે અને તેને વૃદ્ધાશ્રમમાં ફેરવી નાખે જેથી કરીને ઘરમાંથી કાઢી મૂકાયેલા અને નોંધારા માવતરને આશરો મળે. ડોક્ટરે તેમની 5 કરોડ કરતા પણ વધારે સંપત્તિ સરકારને નામ કરી દીધી છે. 

ડોક્ટરે જણાવ્યું કે ઘરની ઉપરાંત તેમને નેશનલ હાઈવેના કિનારે આવેલી પાંચ કેનાલ જમીન અને ગાડી પણ વસીયતમાં ઉમેરી છે. તેમણે આ વસીયત 3 જુલાઈ 2021ના રોજ સરકારને નામે કરી દીધી હતી અને એકલા જીવન વીતાવી રહ્યાં છે

(8:12 pm IST)