Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

દુબઈ એરપોર્ટ પર ભારત આવતા બે વિમાનો વચ્ચેનો અકસ્માત માંડ ટળ્યો

એક સમયે, એક જ રન-વે પર ભૂલથી બે વિમાનોને લીલીઝંડી આપી દેવાતા આ સ્થિતિ સર્જાઈ : ભૂલથી એક જ રન-વેમાં બંને વિમાનોને રવાના કરાયા

નવી દિલ્હી : દુબઈ એરપોર્ટ પર ભારત આવતા બે વિમાનો વચ્ચેનો અકસ્માત માંડ માંડ ટળ્યો હતો. એક સમયે, એક જ રન-વે પર ભૂલથી બે વિમાનોને લીલીઝંડી આપી દેવાતા આ સ્થિતિ સર્જાઈ હતી. દુબઈ એરપોર્ટમાંથી ભારત આવતી બે ફ્લાઈટને એક સાથે લીલી ઝંડી અપાઈ હતી. ભૂલથી એક જ રન-વેમાં બંને વિમાનોને રવાના કરાયા હતા. દુબઈથી હૈદરાબાદ આવતા અમીરાત એરલાઈન્સના બોઈંગ વિમાનને ટેક ઓફ માટે પરવાનગી અપાઈ હતી, પરંતુ તે પહેલાં દુબઈથી બેંગ્લુરુ આવતી ફ્લાઈટ રન-વે પાર કરીને ટેક ઓફ માટે તૈયાર થઈ રહી હતી.

ટ્રાફિક કંટ્રોલરની સંભવતઃ ભૂલના કારણે આ ગરબડ સર્જાઈ હોવાની શક્યતા છે.છેક છેલ્લી
 ઘડીએ હૈદરાબાદ માટે ટેક ઓફ કરી રહેલી ફ્લાઈટના પાયલટને ઉડ્ડયન રદ્ કરવાનું કહેવાયું હતું. એ વખતે એ વિમાનની ઝડપ ૨૪૦ કિલોમીટર પ્રતિકલાકની હતી, પરંતુ પાયલટની કુશળતાથી મોટો વિમાની અકસ્માત ટળ્યો હતો. જ્યારે આ ગરબડ સર્જાઈ ત્યારે બંને ફ્લાઈટમાં ઘણાં મુસાફરો હતા.
ભારતના એરપોર્ટ ઓથોરિટીએ આ ગરબડના સંદર્ભમાં દુબઈ એરપોર્ટ પાસેથી રીપોર્ટ માગ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ બંને વિમાનોના ઉડ્ડયન વચ્ચે માત્ર પાંચ મિનિટનું અંતર રખાયું હોવાથી આવું જોખમ સર્જાયું હતું. યુએઈની વિમાન ઓથોરિટીએ એરલાઈન્સ અને એરપોર્ટને આ ઘટનાનો રીપોર્ટ આપવાનું જણાવ્યું હતું અને બંનેને તાકીદ કરવામાં આવી હતી.

(12:43 am IST)