Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મોદી સરકારે કૃષિ કાયદાના પ્રચાર પાછળ 7.95 કરોડ રૂપિયા ખર્ચ્યા

સૂચના અને પ્રસારણ મંત્રાલયે 7.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો : 67.99 લાખ રૂપિયાનો ખર્ચ ત્રણ પ્રમોશનલ અને બે ઍજ્યુકેશનલ ફિલ્મ પર થયો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓના પ્રચાર પાછળ 7.95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ પ્રમાણે છેલ્લા પાંચ માસ દરમિયાન કેન્દ્ર સરકારે કૃષિ કાયદાના પ્રચાર પાછળ આ ખર્ચ કર્યો છે.

કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે સંસદમાં આ માહિતી આપી હતી. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે 7.95 કરોડ રૂપિયામાંથી સૂચના અને પ્રસારણ મંત્રાલયે 7.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

તેમણે સપ્ટેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં ઍગ્રિ ઍન્ડ ફાર્મર્સ વૅલ્ફેર પર આ નાણાં ખર્ચ્યાં છે.

તોમરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે પ્રિન્ટ મીડિયામાં પણ જાહેરાતના રૂપમાં ખર્ચ કરવામાં આવ્યો છે.

નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે 67.99 લાખ રૂપિયાનો ખર્ચ ત્રણ પ્રમોશનલ અને બે ઍજ્યુકેશનલ ફિલ્મ પર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત 1.50 લાખ રૂપિયા પ્રિન્ટ ઍડના ક્રિએટિવ પર ખર્ચવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે કૃષિ કાયદા પર ત્રણ કાયદાને લઈને છેલ્લા અઢી માસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. હજુ પણ ખેડૂતો આંદોલનને આગળ વધારી રહ્યા છે.

(12:00 am IST)