Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કોરોના : દેશમાં ૨૪ કલાકમાં ૧૦૦થી પણ ઓછા મોત

૨૪ કલાકમાં ૧૧૦૧૬ દર્દી સાજા થયા : દેશમાં હજુ સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા ૧.૦૬ કરોડ થઇ : સરેરાશ સ્વસ્થ્ય થવાનો દર ૯૭.૩૧ ટકા

નવી દિલ્હી, તા. ૧૪ : ભારતમાં ૧ ઓક્ટોબર ૨૦૨૦થી કોવિડના દૈનિક ધોરણે મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ મૃત્યુઆંક ૯૨ નોંધાયો છે. ૧ ઓક્ટોબર ૨૦૨૦થી દેશમાં મૃત્યુઆંકની સંખ્યામાં સ્પષ્ટપણે એકધારું ઘટાડાનું વલણ નોંધાયું છે. ભારતમાં મૃત્યુદર ઘટીને ૧.૫%થી ઓછો (૧.૪૩%) થઇ ગયો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારત છે.

દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા ૧.૦૬ કરોડ (૧,૦૬,૧૧,૭૩૧) થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૧,૦૧૬ દર્દીઓ સાજા થઇ ગયા છે. ભારતમાં સરેરાશ સાજા થવાનો દર ૯૭.૩૧% છે જે દુનિયામાં સર્વાધિક રિકવરી દર પૈકી એક છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે જે આજે ૧,૦૪,૭૪,૧૬૪ થઇ ગયો છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૮:૦૦ કલાક સુધીમાં દેશમાં કોવિડ-૧૯ વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળના કર્મચારીઓ સહિત રસી લેનારા કુલ લાભાર્થીઓની સંખ્યા ૮૨ લાખનો આંકડો ઓળંગી ગઇ છે.

આજે સવારે ૮ વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, આજદિન સુધીમાં કુલ ૧,૭૨,૮૫૨ સત્રોનું આયોજન કરીને કુલ ૮૨,૬૩,૮૫૮ લાભાર્થીને રસી આપવામાં આવી છે. તેમાં ૫૯,૮૪,૦૧૮ એચસીડબલ્યુ (૧લો ડોઝ), ૨૩,૬૨૮ એચસીડબલ્યુ (૨જો ડોઝ) અને ૨૨,૫૬,૨૧ર એફએલડબલ્યુ (૧લો ડોઝ) સામેલ છે..રસીકરણના ૨૮ દિવસમાં જેમણે કોવિડ-૧૯ વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો હોય તેમને બીજા ડોઝના રસીકરણની કાર્યવાહી ગઇકાલથી શરૂ કરવામાં આવી છે.

રસીકરણ કવાયતના ૨૯મા દિવસે (૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧) કુલ ૨,૯૬,૨૧૧ લાભાર્થીને રસી આપવામાં આવી છે. આમાંથી ૮,૦૭૧ સત્રોમાં ૨,૭૨,૫૮૩ લાભાર્થીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે ૨૩,૬૨૮ એફએલડબલ્યુને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. દેશમાં કોવિડ વિરોધી રસી લેનારાની સંખ્યામાં દૈનિક ધોરણે પ્રગતિપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે. કુલ રસી લેનારામાંથી ૬૮.૫૫% લાભાર્થી ૧૦ રાજ્યોમાંથી છે. નવા સાજા થયેલા ૮૧.૫૮% દર્દીઓ ૬ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.

સમગ્ર દેશમાં કેરળમાં એક દિવસમાં સૌથી વધુ ૫,૮૩૫ નવા દર્દી સાજા થયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં વધુ ૧,૭૭૩ દર્દી જ્યારે તમિલનાડુમાં નવા ૪૮૨ દર્દી સાજા થયા છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ માત્ર ૧.૨૬% રહ્યું છે. ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે ઘટીને ૧.૩૭ લાખ (૧,૩૭,૫૬૭) થઇ ગઇ છે. નવા નોંધાયેલા ૮૬.૨૫% કેસ છ રાજ્યોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ ૫,૪૭૧ નવા દર્દી સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે મહારાષ્ટ્રમાં નવા ૩,૬૧૧ દર્દી જ્યારે તમિલનાડુમાં નવા ૪૭૭ દર્દી પોઝિટીવ નોંધાયા છે. નવા નોંધાયેલા ૭૮.૩% મૃત્યુ ૬ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ (૩૮) નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં દૈનિક ધોરણે વધુ ૧૬ જ્યારે તમિલનાડુ અને છત્તીસગઢ પ્રત્યેકમાં વધુ ૫ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

(9:27 am IST)