Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

પીપીઇ કીટ પહેરી ભીખ માગતા કોરોના વોરિયરની લાચાર સ્થિતી

કોરોનાના ભયાનક સમયે અમને નિમણુંક આપી, પ્રશંસા કરી, ફૂલો વરસાવ્યા, કોરોના વોરિયર કહ્યા, અમારા અને પરિવારના જીવન જોખમમાં મુકયા અને કામ પુરૂ થતા તગેડી મૂકયા...

ભુવનેશ્વર,તા. ૧૫: કોરોના કાળમાં આરોગ્ય સેવામાં લાગેલાઓને કોરોના વોરિયર્સનું સન્માન લોકોએ આપ્યું છે. પરંતુ ઓડિસામાં આ મહામારી દરમિયાન એક ફ્રન્ટલાઇન વોરિયર પીપીઇ કીટ પહેરી સડક ઉપર ભીખ માગતો નજરે પડતા ખળભળાટ મચી ગયો છે. આ શખ્સની ઓળખ અશ્વિની પાઢે તરીકે બહાર આવી છે. સરકારના કામ ઉપરથી દૂર કરાયા બાદ આ રીતે તે વિરોધ દર્શાવી રહ્યા છે.

અશ્વિની પાઢે ઓડિશાની ભ્રદ્રકમાં પીપીઇ કીટ પહેરી ભીખ માગતો શનિવારે જોવા મળ્યો હતો. અશ્વિની સહિત હજારોની ભરતી કોરોના મહામારી દરમિયાન સરકારે કરી હતી. સ્થિતી સુધરતા કરાર પુરો થયેલ કારણ કે રાજ્યમાં કોરોના કેસો ખૂબ ઘટી ગયા છે. બજેટ ખૂટી જતા ૩૧-૧૨-૨૦૨૦ થી પટનાયક સરકારે કરાર પૂરો થતા કોઇ પણ ને કામ નહિ રાખવા નિર્ણય લેતા અશ્વિની પાઢે પણ હજારો લોકો સાથે બેકાર બની ગયેલ.

જેના કારણે અશ્વિની પાઢે એકથી બીજી દુકાને પીપીઇ કીટ પહેરી ભીખ માગતો નજરે પડેલ. તેણે કહ્યુ કે કોરોના પ્રકોપના પગલે રાજ્યમાં સ્થિતી ખૂબ ખરાબ બની હતી તો સરકારે કોવિડ વોરિયરના નામ સાથે અમને કામ ઉપર નિમણુંક આપી, પછી પ્રશંસા કરી, અમારી ઉપર ફૂલો વરસાવ્યા અમને સન્માનિત કર્યા, અમને કોરોના વોરિયર બતાવ્યા, અમે કોરોના દર્દીઓ સાથે કામ કરી અમારી અને અમારા પરિવારજનોના જીવન જોખમમાં મૂકયા.

૯ મહિના પછી અમને બીજી કોઇ પુનર્વાસ વ્યવસ્થા વિના જ કાઢી મૂકયા. જો સરકારે કાયમી રોજગાર ન આપી શકે. અમારી માંગ ન સ્વીકારી તો દરેક જગ્યાએ ભીખ માંગી વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવશું.

ઓડિશાની રાજધાનીમાં પી.એમ.જી સ્કવેર ખાતે ૨ મહિનાથી સેંકડો આવા પી.એન.એ. કોરોના વોરિયર્સ કાર્યકતા ધરણા ઉપર બઠેલ છે અને પુનર્વાસ અથવા ફરી કામ આપવા માંગણી કરી રહ્યા છે.

(10:14 am IST)